તમિલનાડુના મુખ્ય મંદિરોમાં હવે ભક્તોને પેટ ભરીને મહાપ્રસાદ મળી રહે તે માટે તંત્ર દ્વારા એક શાનદાર પહેલ કરવામાં આવી છે. રાજ્યના હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ ડિપાર્ટમેન્ટે શ્રીરંગમ, પલાની, તિરુવન્નામલાઈ અને તિરુચેન્દુર સહિતના 17 મોટા મંદિરોમાં ડાયાબિટીસ ફ્રેન્ડલી અને હેલ્ધી અન્નદાન મેનૂ શરૂ કરવાની યોજના ઘડી છે. સામાન્ય રીતે મંદિરોમાં સવારે 8 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી અન્નદાન કરવામાં આવે છે, પરંતુ હેલ્ધી ફૂડના આગમનથી હવે ડાયાબિટીસથી પીડિત લોકો અને વડીલો પણ વિના સંકોચ આ પ્રસાદનો લાભ લઈ શકશે.
આ મામલે માહિતી આપતા મંત્રી સી રમેશ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ યોજના હાલ ચર્ચાના સ્ટેજ પર છે અને કિચનની ક્ષમતા ચકાસ્યા બાદ તેને ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે. ભક્તો સાથે ચર્ચા કરીને મેનૂ અને સમય નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, મંત્રીએ શુક્રવારે રાજ્યના મંદિરોમાં પ્રસાદ બનાવવાની પદ્ધતિ અને તેના વેચાણને સ્ટાન્ડર્ડાઇઝ કરવાની યોજના પણ લોન્ચ કરી છે. જે અંતર્ગત 10 સામાન્ય પ્રસાદ માટે સામગ્રીનું પ્રમાણ, પ્રોડક્શન કોસ્ટ, જથ્થો અને રીટેલ પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે જેથી ગુણવત્તા અને કિંમતમાં એકસમાનતા જળવાઈ રહે અને પારદર્શિતા વધે.
અગાઉ ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા અપાતા પ્રસાદમાં મેન્યુફેક્ચરિંગ ડેટ બદલી નાખવાની કે ગુણવત્તા બાબતે ફરિયાદો રહેતી હતી, જેને ધ્યાનમાં રાખીને હવે જે મંદિરોમાં સુવિધાઓ ઉપલબ્ધ છે તેમને પોતાના જ પરિસરમાં પ્રસાદ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. કાચા માલની ખરીદી સહકારી સ્ટોરના ભાવે અને સર્ટિફાઈડ આવિન ઘીનો ઉપયોગ કરીને કરવામાં આવશે તેમજ પેકેજિંગ માટે ઇકો-ફ્રેન્ડલી ધોરણો અપનાવાશે. લીગલ મેટ્રોલોજીના નિયમો અનુસાર દરેક પેકેટ પર મેન્યુફેક્ચરરનું નામ, પતો, નેટ ક્વોન્ટિટી, પેકિંગનું વર્ષ અને મહિનો તેમજ મહત્તમ રીટેલ પ્રાઈઝ સ્પષ્ટપણે છાપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
