ক্রিকেট રસિયાઓ માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ હંમેશા રોમાંચક રહ્યો છે, પણ આ વખતે વેલિંગ્ટનના કુદરતી મિજાજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી T20I પહેલા ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેની ગતિ સોમવારે સીધી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગઈ હતી. આ જોરદાર પવન માત્ર મેદાન પર જ નહીં, પણ ખેલાડીઓની હોટલની અંદર પણ અનુભવાઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે પવનના સૂસવાટાથી આખી ઇમારત ધ્રૂજી રહી હતી, જેને જોઈને ખુદ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ પણ ચોંકી ગયા હતા.
આ અનોખા અને ખતરનાક પવનનો સામનો કરવા માટે બોલિંગ કોચ મોર્કેલે ખેલાડીઓને એકદમ દેશી અને મજેદાર ઉપાય સૂચવ્યો છે. દક્ષિણ આફ્રિકા તરફથી રમતી વખતે આ તોફાની પવનોનો સામનો કરી ચૂકેલા મોર્કેલે ખેલાડીઓને હસતાં-હસતાં કહી દીધું કે, “ઘરે પંખા સામે ઊભા રહો, વેલિંગ્ટનમાં પણ પરિસ્થિતિ એવી જ રહેશે.” જોકે વાત મજાકની લાગતી હોય, પણ વાસ્તવમાં આ પવન બેટ્સમેન અને બોલરો બંને માટે મોટો માથાનો દુખાવો સાબિત થઈ શકે તેમ છે. વેલિંગ્ટનનો પવન એટલો ધૂર્ત છે કે તે ગમે ત્યારે પોતાની દિશા બદલી નાખે છે. આ પરિસ્થિતિમાં બેસિન રિઝર્વમાં બેટ્સમેનોએ ક્રીઝ પર સંતુલન જાળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડશે, તો બીજી તરફ બોલરો માટે પણ સાચી લય પકડવી અને બોલને કંટ્રોલ કરવો લોઢાના ચણા ચાવવા સમાન બની જશે.
મોર્કેલનો અનુભવ સ્પષ્ટ કહે છે કે માત્ર 2 કે 4 દિવસની પ્રેક્ટિસથી આ પવનની આદત પાડવી અશક્ય છે. આના માટે ખેલાડીઓએ માનસિક રીતે મજબૂત બનવું પડશે અને આ પરિસ્થિતિને એક મોટા પડકાર તરીકે સ્વીકારવી પડશે. બોલિંગ આક્રમણની વાત કરીએ તો, પવન સતત ફરતો હોવાથી કોઈ એક બોલરને તેનો વધુ સામનો કરવો પડી શકે છે. મોર્કેલ ઈચ્છે છે કે ટીમમાંથી કોઈ ખેલાડી ખુદ આગળ આવીને હાથ ઊંચો કરે અને આ તોફાની પવનની વિરુદ્ધ દિશામાં બોલિંગ કરવાની જવાબદારી સ્વીકારે, કારણ કે ચારેય ખેલાડીઓ માટે પવનની સાનુકૂળ દિશામાં બોલિંગ કરવી શક્ય નથી. હવે જોવાનું એ રહેશે કે મોર્કેલની આ પંખાવાળી ફોર્મ્યુલા અને માનસિક તાલીમ ટીમ ઈન્ડિયાને આ સીરિઝ જીતવામાં કેટલી મદદરૂપ સાબિત થાય છે.
