JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અંડરવર્લ્ડના શૂટર્સ હંમેશા ડિસ્પોઝેબલ અને સસ્તા પ્યાદા જ રહ્યા છે

Oct 26, 2026 | 21:23 | By JAMNAGAR MIRROR
અંડરવર્લ્ડના શૂટર્સ હંમેશા ડિસ્પોઝેબલ અને સસ્તા પ્યાદા જ રહ્યા છે
જાણીતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની વાત સાચી છે કે અંડરવર્લ્ડમાં શૂટર્સ સૌથી સસ્તા અને બદલી શકાય તેવા હોય છે. મુંબઈ અંડરવર્લ્ડના ઇતિહાસમાં દાઉદ અને રાજન ગેંગે કઈ રીતે યુવાનોને ફસાવ્યા હતા તેની આખી કહાની.

મુંબઈના અંડરવર્લ્ડની વાત નીકળે એટલે ફિલ્મી કહાનીઓ યાદ આવી જાય. થોડા સમય પહેલાં એક્ટર ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરનારા આરોપીઓને પકડનાર પોલીસની પ્રશંસા કરતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ એક ટ્વીટ કર્યું હતું કે અંડરવર્લ્ડમાં શૂટર્સ સૌથી વધુ રિપ્લેસેબલ, ડિસ્પોઝેબલ અને સૌથી સસ્તા હોય છે. અંડરવર્લ્ડ પર 'સત્યા' જેવી કલ્ટ મૂવી બનાવનાર રામ ગોપાલ વર્મા આ વિષયના ઊંડા અભ્યાસી ગણાય છે, અને એમની આ વાત સો ટકા સાચી પણ છે. મુંબઈના 1980 અને 1990ના દાયકામાં અંડરવર્લ્ડની ગેંગ્સનો ખોوف આખા શહેરમાં વરતાતો હતો. કોઈ બિઝનેસમેન, હોટેલિયર કે બિલ્ડરને ડોન તરફથી ફોન આવે એટલે એ ગભરાઈ જ જતા, કારણ કે બધા જાણતા હતા કે ડોન પાસે શૂટર્સની મોટી ફોજ છે. વિદેશમાં બેઠેલા બોસના ઇશારે આ શૂટર્સ આવીને ટાર્ગેટ પર ગોળીઓ વરસાવતા અને એ ડરના આધારે કરોડો રૂપિયાની ખંડણી વસૂલવામાં આવતી.

તાજેતરના ટાઇગર શ્રોફના કેસમાં પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેટલાક યુવાનોને થોડા હજાર રૂપિયા અને વિદેશમાં સેટલ કરી આપવાનું વચન આપીને ભાડે રાખ્યા હતા. આવો જ કંઈક ઇતિહાસ 80 અને 90ના દાયકાની ગેંગ્સનો પણ હતો. જો વાત કરીએ દાઉદ ઇબ્રાહિમની ડી-કંપનીની, તો 1994માં દાઉદ અને છેટા રાજન અલગ થયા પછી છોટા શકીલ આ ગેંગનો સેકન્ડ-ઇન-કમાન્ડ બન્યો હતો. શકીલે ભીંડી બજાર, ડોંગરી, મઝગાંવ, નાગપાડા અને માહિમ જેવા લોઅર-મિડલ-ક્લાસ વિસ્તારોમાંથી મોટાભાગના મુસ્લિમ યુવાનોને શૂટર તરીકે કામે લગાડ્યા હતા. પૈસા અને સ્ટાઇલિશ લાઇફસ્ટાઈલનું આકર્ષણ આપીને યુવાનોને ફસાવાતા હતા. એટલું જ નહીં, ધર્મનો સહારો લઈને પણ યુવાનોને ગેંગમાં ખેંચવામાં આવતા કારણ કે હરીફ છોટા રાજનની ગેંગ મુસ્લિમ શૂટર્સને નિશાન બનાવી રહી હતી. ફિરોઝ કોંકણી, મુન્ના ઝિંગડા અને ફીલુ ખાન જેવા ખતરનાક શૂટર્સ આ જ ગેંગના હિસ્ટ્રીમાં સામેલ હતા.

બીજી બાજુ, છેટા રાજનની એટલે કે નાના કંપનીની વાત કરીએ તો તે ચેમ્બુર, ઘાટકોપર, કુર્લા અને ધારાવી જેવા ઉપનગરોમાંથી શૂટર્સની ભરતી કરતો હતો. રાજનની ગેંગમાં મોટાભાગના યુવાનો મરાઠી કે સાઉથ ઇન્ડિયન હતા. જો કે તેમાં થોડા મુસ્લિમ યુવાનો પણ હતા જેમ કે ફરીદ તાનાશા. અહીં પણ પૈસા મુખ્ય લાલચ હતી, પરંતુ સાથેસાથે યુવાનોને ધર્મ અને રાષ્ટ્રવાદના નામે પણ ઉશ્કેરવામાં આવતા હતા. છોટા રાજન દાઉદ ઇબ્રાહિમને દેશદ્રોહી કહેતો અને તેના શૂટર્સને 1993ના સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને ખતમ કરવાનો આદેશ આપતો હતો. રવિ વોરા ઉર્ફે ડીકે રાવ, સતીશ થાંગપ્પન રેડ્ડી, વિલાસ માણે અને સાધુ શેટ્ટી જેવા નામો નાના કંપનીના સૌથી ખતરનાક શૂટર્સ ગણાતા હતા. આખી ગેંગ સિસ્ટમમાં મોટો વડો ફાવી જાય છે, પણ જીવ જોખમમાં મૂકનારા આ શૂટર્સ આખરે તો કચરાપેટીના સામાનની જેમ યુઝ એન્ડ થ્રો જ સાબિત થાય છે.

LATEST ARTICLES