દિલ્હીમાં અબોલ જીવોની સેવા કરતી એક જાણીતી એનિમલ એક્ટિવિસ્ટ સાથે બનેલી ચોંકાવનારી ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી દીધી છે. દિલ્હીમાં સ્ટ્રીટ વર્લ્ડઝ ટ્રસ્ટ નામની NGO ચલાવતી જાગૃતિ મિશ્રાના અંડર-કન્સ્ટ્રક્શન એનિમલ શેલ્ટરની દીવાલો કોઈ પણ પ્રકારની અગાઉથી નોટિસ આપ્યા વગર જ તોડી પાડવામાં આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ જાગૃતિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક વીડિયો શૅર કર્યા હતા, જે જોતજોતામાં વાયરલ થઈ ગયા હતા. જાગૃતિના પર્સનલ એકાઉન્ટ પર 6 લાખથી વધુ અને NGOના એકાઉન્ટ પર 3.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ હોવાથી આ મામલો આગની જેમ ફેલાઈ ગયો હતો અને લોકોએ સત્તાવાળાઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
વાયરલ થયેલા વીડિયોમાં જાગૃતિ એવો આક્ષેપ કરતી નજરે પડે છે કે તેના શેલ્ટરના નિર્માણ કાર્યને લઈને એક વ્યક્તિ દ્વારા તેની પાસે લાંચ માંગવામાં આવી હતી. આ મામલે જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે અચાનક બુલડોઝર લઈને આવેલા લોકોએ દીવાલો તોડી નાખી હતી, જેના કારણે તેને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર જાગૃતિને ભારે સમર્થન મળ્યું અને સત્તાનો દુરુપયોગ કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી. મામલાની ગંભીરતાને જોતાં દિલ્હીના ચીફ મિનિસ્ટર રેખા ગુપ્તા ખુદ એક્ટિવિસ્ટ જાગૃતિ મિશ્રાને મળવા પહોંચ્યા હતા અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.
સીએમ રેખા ગુપ્તાએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક એક્શન લીધા છે અને સોમવારે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક જૂનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરી દીધો છે. આ સાથે જ સીએમએ સીએમ રિલિફ ફંડમાંથી જાગૃતિ મિશ્રાને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે જેથી થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે. એટલું જ નહીં, સીએમએ પોલીસને તાત્કાલિક ધોરણે ધમકી આપનાર અને કૌભાંડમાં સામેલ શખ્સ સામે એફઆઈઆર નોંધીને કડક કાનૂની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે તેમજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને નવું એનિમલ શેલ્ટર ઊભું કરવામાં સંપૂર્ણ મદદ કરવા જણાવ્યું છે. સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે નાગરિકોની હેરાનગતિ કે સત્તાના દુરુપયોગને જરાય ચલાવી લેવામાં નહીં આવે.
