જામનગર જિલ્લાના કાલાવડમાં શિતલા કોલોનીમાં રહેતા સંદીપભાઈ ધીરૂભાઈ ટંકારીયાએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભાઈ જસ્મીનભાઈ ટંકારીયાને પીઠડીયા ગામમાં રહેતી એક પરિણીતા સાથે મિત્રતા હતી. આ બાબતની અદાવત રાખીને પીઠડીયા ગામના ચીમનભાઈ દોમડીયાએ અન્ય બે અજાણ્યા શખ્સો સાથે મળીને જસ્મીનભાઈ વિરુદ્ધ ગંભીર કાવતરું ઘડ્યું હતું. ગઈકાલે સાંજે આ ત્રણેય શખ્સોએ પ્લમ્બરીંગના કામ માટે વીરવાવ ગામે આવવાનું કહીને જસ્મીનભાઈને ત્યાં બોલાવ્યા હતા અને બાદમાં બળજબરીપૂર્વક એક મોટરમાં બેસાડીને તેમનું અપહરણ કર્યું હતું.
અપહરણ કર્યા બાદ હુમલાખોરો જસ્મીનભાઈને રણુજા ગામ તરફ જતા કાચા રસ્તા પર એક નિર્જન સ્થળે લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ યુવાનને ગાળો ભાંડવાની સાથે જ મોટરમાંથી લોખંડની પાઈપ કાઢીને બેરહેમીપૂર્વક માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં જસ્મીનભાઈના ડાબા અને જમણા હાથની કોણીની ઉપર તથા નીચે ગંભીર ફ્રેક્ચરો થયા હતા. આ ઉપરાંત તેમના સાથળ, નળા અને પગના તળિયાના ભાગે પણ પાઈપના ભારે ફટકા મારવામાં આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બાદમાં હુમલાખોરો તેમને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલે પીડિતના ભાઈની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ ૬૧, ૧૪૦ (૪), ૧૧૮ (ર), ૧૧૮ (૧), ૧૧૫ (ર), ૩૫૧ (૩), ૩૫૨ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને હાલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
