બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એન.ડી.પી.એસ. (NDPS) ના એક ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસ તપાસ અર્થે બહાર લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ કાફલાને ચકમો આપીને નાસી છૂટવાનો પ્લાન બનાવ્યો હતો. ચાલુ સરકારી બોલેરો ગાડીમાં અચાનક જ સ્થિતિ તણાવપૂર્ણ બની હતી અને કાયદો તથા વ્યવસ્થા સામે મોટો પડકાર ઉભો થયો હતો. પોલીસ વાહનમાં હાજર સુરક્ષાકર્મીઓ અને અધિકારીઓ પણ આરોપીની આ હરકતથી ચોંકી ઉઠ્યા હતા.
ઘટનાની વિગતો મુજબ, રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચૌહટન તાલુકાના આગોર ગામનો રહેવાસી અશોકકુમાર હનુમાનજી ખીલેરી (વિશ્નોઈ) (ઉં.વ. 23) કે જે ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. ગુનાનો આરોપી છે, તેને પોલીસ તપાસ માટે લઈ જવાતો હતો. તે દરમિયાન તેણે ચાલુ ગાડીમાં પોલીસ ઈન્સ્પેક્ટરની સર્વિસ પિસ્તોલ બળજબરીથી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ બોલેરો ગાડીના ડ્રાઈવર પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીની આ હિંસક અને ઉશ્કેરણીજનક હરકતના કારણે વાહનમાં બેઠેલા તમામ પોલીસ કર્મચારીઓનો જીવ જોખમમાં મુકાયો હતો અને આરોપી ગમે તેમ કરીને ફરાર થઈ જવાની ફિરાકમાં હતો.
પરિસ્થિતિ અત્યંત ગંભીર અને બેકાબુ બનતા તેમજ પોલીસ કર્મચારીઓની જાન પર જોખમ તોળાઈ રહ્યું હોવાથી, પોલીસ ઈન્સ્પેક્ટરે ત્વરિત નિર્ણય લઈને સ્વબચાવમાં પોતાની સર્વિસ પિસ્તોલમાંથી આરોપીના પગના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબાર બાદ પોલીસે તાત્કાલિક ધોરણે ઘાયલ થયેલા આરોપીને કાબૂમાં લઈ લીધો હતો. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત બનેલા આરોપીને તાત્કાલિક ધોરણે યોગ્ય સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ સમગ્ર માને લઈને પોલીસે આગળની કાયદેસરની સઘન તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
