JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

પ્રી-આઈપીઓ શેરના ટ્રેડિંગ માટે અલગ એક્સચેન્જ લાવવાની સેબીની તૈયારી

પ્રી-આઈપીઓ શેરના ટ્રેડિંગ માટે અલગ એક્સચેન્જ લાવવાની સેબીની તૈયારી
મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા ભારતીય શેર બજારમાં પ્રી-આઈપીઓ શેરના વ્યવહારોને વધુ પારદર્શક અને નિયમનબદ્ધ બનાવવા માટે એક વિશેષ ટ્રેડિંગ પ્લેટફોર્મ સ્થાપવાની વિચારણા કરવામાં આવી રહી છે, જે અંગે ટૂંક સમયમાં કન્સલ્ટેશન પેપર જારી થઈ શકે છે.

મૂડી બજાર નિયામક તંત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ભારતીય શેર બજારમાં પ્રી-આઈપીઓ શેરોના વ્યવહારોને વધુ પારદર્શક અને નિયમનબદ્ધ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં આઈપીઓ માર્કેટમાં નોંધપાત્ર વિસ્તરણ થયું છે, જેને ધ્યાનમાં રાખીને આ સુધારાત્મક પગલાં પર વિચાર થઈ રહ્યો છે. હાલમાં ઘણી કંપનીઓ શેર બજારમાં આઈપીઓ લાવતા પહેલા ખાનગી સોદાઓ દ્વારા શેરનું વેચાણ કરે છે, જેમાં રોકાણકારોએ બ્રોકર્સ અથવા મધ્યસ્થીઓની મદદ લેવી પડે છે. આ વ્યવહારોમાં પારદર્શિતા અને રોકાણકારોના હિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સેબી દ્વારા અલગ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભું કરવાની શક્યતા તપાસવામાં આવી રહી છે.

આ પ્રસ્તાવનો વ્યાપ સમગ્ર અનલિસ્ટેડ માર્કેટ માટે નહીં પરંતુ માત્ર આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી હોય તેવી કંપનીઓ સુધી જ મર્યાદિત રહેશે. જે કંપનીઓનો નજીકના ભવિષ્યમાં આઈપીઓ લાવવાનો કોઈ ઈરાદો નથી અથવા જે કંપનીઓ આઈપીઓ પ્રક્રિયા સાથે જોડાયેલી નથી, તેમના શેરને આ પ્લેટફોર્મ હેઠળ લાવવાની સેબીની કોઈ યોજના નથી. પ્રી-આઈપીઓ શેરમાં રોકાણ કરતી વખતે રોકાણકારોને ઘણીવાર કંપનીની સાચી નાણાકીય સ્થિતિ, યોગ્ય મૂલ્યાંકન અને લિક્વિડિટીના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ નવી પ્રસ્તાવિત વ્યવસ્થા દ્વારા રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે નિયમનકારી માળખું તૈયાર કરવામાં આવશે, જેમાં કંપનીઓ માટે વધારાની માહિતી જાહેર કરવાની ફરજ જેવા મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે.

કંપનીઓએ રોકાણકારોને કઈ માહિતી આપવી, શેરના વ્યવહારો કેવી રીતે કરવા અને ફરિયાદોનું નિરાકરણ કેવી રીતે લાવવું તે અંગેના નિયમો કન્સલ્ટેશન પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રે માર્કેટ પ્રીમિયમ (જીએમપી) અંગે રોકાણકારોને તાજેતરમાં જ સાવચેત કર્યા બાદ સેબીનું આ પગલું અનલિસ્ટેડ શેર માર્કેટમાં શિસ્ત અને પારદર્શિતા લાવવા માટે અત્યંત મહત્વનું સાબિત થઈ શકે છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES