JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં વેરા વસુલાત ઝુંબેશ: મનપા દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી અને મિલકત સીલ

જામનગરમાં વેરા વસુલાત ઝુંબેશ: મનપા દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી અને મિલકત સીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના બાકી વેરાની વસૂલાત માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત તંત્ર દ્વારા વેરો નહીં ભરનાર આસામીઓની મિલકતો સીલ કરવાની સાથે સ્થળ પરથી એડવાન્સ ચેક પણ મેળવવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી રહેલા કરોડો રૂપિયાના વેરાની વસૂલાત માટે અત્યારે કડક રૂપે સીલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મનપાની મિલકત વેરા શાખા દ્વારા વેરો ભરપાઈ ન કરનાર આસામીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ગત સપ્ટેમ્બર માસથી શરૂ થયેલી આ વિશેષ ઝુંબેશના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરમાં બાકી વેરાની વસૂલાત માટે સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે અને જે આસામીઓ નિયમિત વેરો નથી ભરતા તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ સઘન ઝુંબેશ દરમિયાન કેટલાક જાગૃત નાગરિકો અને પેઢીઓએ સ્વેચ્છાએ આગળ આવીને પોતાના બાકી વેરાની રકમ ચૂકવી હતી. મનપાની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં બે આસામીઓ પાસેથી સ્થળ પર જ કુલ રૂા. ૩.૧૩ લાખના એડવાન્સ ચેક મેળવવામાં આવ્યા હતા. જેમાં મિલકત વેરા શાખાને સુનિતાબેન રમેશભાઈ ભરાડિયા દ્વારા રૂા. ૧,૭૧,૯૧૫ અને નવાઝ શિપીંગ નામની ભાગીદારી પેઢી દ્વારા રૂા. ૧,૪૧,૭૪૫ ની વેરાની રકમના ચેક સુપરપ્રત કરવામાં આવ્યા હતા, જેનાથી તંત્રને મોટી રાહત મળી છે.

બીજી બાજુ, વારંવારની નોટિસો છતાં વેરો ન ભરનાર આસામીઓ સામે મનપાએ કડક વલણ જાળવી રાખ્યું છે. મહાનગરપાલિકાની ટીમે ગુમાનસિંહ લખુભા જેઠવાના બાકી નીકળતા રૂા. ૨,૭૪,૧૫૧ ની રકમની વસૂલાત ન થતાં આખરે તેમની મિલકત સીલ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં કોર્ટ કેસની વિગતો બાદ કરતાં કુલ રૂા. ૫૬૧ કરોડના બાકી વેરા પૈકી અંદાજે ૨.૩૪ લાખ આસામીઓ પાસેથી વેરો વસૂલવાનો બાકી છે. મનપા દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે આગામી દિવસોમાં પણ આ કડક વેરા વસુલાત ઝુંબેશ સંપૂર્ણ નિર્ધાર સાથે યથાવત રહેશે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES