જામનગર શહેરના અતિ વ્યસ્ત અને સતત ધમધમતા એવા સજુબા ગર્લ્સ હાઇસ્કૂલથી સુભાષ શાકમાર્કેટ થઈને દરબારગઢ સુધીના મુખ્ય રોડ ઉપર ટ્રાફિકને નળતરરૂપ બનતા ગેરકાયદેસર દબાણો અને ન્યુસન્સ ફેલાવનારાઓ સામે મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આ માર્ગ પર લાંબા સમયથી અડચણરૂપ રેકડીઓ, પાથરણાવાળાઓ અને વેપારીઓ દ્વારા રસ્તા પર માલસામાન ખડકી દેવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને સોલિડ વેસ્ટ શાખા દ્વારા સંયુક્ત રીતે એક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે દબાણકર્તાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

મહાનગરપાલિકાના કંટ્રોલિંગ અધિકારી અને આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવાએ આ કાર્યવાહી વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે અગાઉ પણ આ વિસ્તારના વેપારીઓ અને રેકડીધારકોને અનેકવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું. તપાસ દરમિયાન અનેક વેપારીઓ અને રેકડીવાળાઓ દ્વારા દુકાન કે લારીની બહાર ડસ્ટબિન પણ રાખવામાં આવતા નથી અને કચરો સીધો રોડ પર ફેંકીને મોટું ન્યુસન્સ ફેલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ અનિયમિતતાઓને કારણે સામાન્ય નાગરિકો અને વાહનચાલકોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો, જેને લીધે આ કડક પગલાં લેવાની આવશ્યકતા ઊભી થઈ હતી.

આ મેગા ડ્રાઇવ દરમિયાન મ્યુનિસિપલ ટીમ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ અને રેકડી ધારકો પાસેથી સ્થળ ઉપર જ હાજર દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ દંડ ભરવા ન તૈયાર થનારાઓના માલસામાનની જપ્તી પણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ શહેરના આ મુખ્ય માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા અને સ્વચ્છતા જાળવવા માટે આવી જ સઘન ઝુંબેશ સતત ચાલુ રહેશે, જેથી શહેરીજનોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે.
