JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં ‘ધરોહરોત્સવ’ અંતર્ગત હેરિટેજ વોકનું આયોજન, ઇતિહાસપ્રેમીઓએ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી

જામનગરમાં ‘ધરોહરોત્સવ’ અંતર્ગત હેરિટેજ વોકનું આયોજન, ઇતિહાસપ્રેમીઓએ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી
‘આપણી ધરોહર’ અને ‘હેરિટેજ હાલાર’ના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં ‘ધરોહરોત્સવ’ અંતર્ગત હેરિટેજ વોક યોજાઈ હતી. આ વિશેષ આયોજનમાં આશરે 90 જેટલા ઇતિહાસપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાઈને શહેરનાં વિરાસતી અને ઐતિહાસિક સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

જામનગરના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાથી નાગરિકોને અવગત કરવાના ઉદ્દેશ્યથી ‘ધરોહરોત્સવ’ અંતર્ગત ‘આપણી ધરોહર’ અને ‘હેરિટેજ હાલાર’ સંસ્થાઓ દ્વારા હેરિટેજ વોકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકની શરૂઆત અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન અને મહાન ક્રિકેટર વિનુ માંકડના સ્ટેચ્યુથી કરવામાં આવી હતી. અહીં સહભાગીઓએ જામનગરના ગૌરવવંતા ક્રિકેટ ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી મેળવી હતી અને રમતગમતક્ષેત્રે શહેરના યોગદાનને યાદ કર્યું હતું. આ પ્રારંભિક ચરણ બાદ ઇતિહાસપ્રેમીઓનો કાફલો શહેરના અન્ય ઐતિહાસિક સીમાચિહ્નો તરફ આગળ વધ્યો હતો.

ક્રિકેટ પેવેલિયન બાદ સહભાગીઓએ ભવ્ય ઐતિહાસિક લાલ બંગલાના વિવિધ ભવનો તેમજ સર્કિટ હાઉસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ત્યાં આવેલા અતિથિગૃહ, કલાત્મક આરસપહાણનાં શિલ્પો અને ઇતિહાસના પડઘા પાડતા રેડિયો હાઉસને નિહાળ્યાં હતાં. પ્રવાસ દરમિયાન નિષ્ણાતો દ્વારા આ તમામ ઐતિહાસિક સ્થળોના સ્થાપત્ય, તેની બનાવટ અને તેના ઇતિહાસ પાછળની રોચક વાતો વિશે સહભાગીઓને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી નાગરિકો પોતાના શહેરની સાંસ્કૃતિક વિરાસતને વધુ ઊંડાણપૂર્વક સમજી શકે.

આ ઐતિહાસિક યાત્રાના અંતિમ ચરણમાં સહભાગીઓએ જાણીતા ‘એક દાંડિયો મહેલ’ની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેઓ ભીડભંજન મહાદેવ મંદિર પહોંચ્યા હતા. ત્યાં મંદિરની પાછળ આવેલા પ્રાચીન લંકેશ્વર મહાદેવ મંદિર વિશે પણ વિશેષ જાણકારી મેળવવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ‘આપણી ધરોહર’નાં શ્રદ્ધા કણઝારીયા તેમજ ‘હેરિટેજ હાલાર’ના હર્ષભાઈ ચાવડા, ક્યુરીબેન બાવીશી અને કિરીટભાઈ શાહે ભારે જહેમત ઉઠાવીને સક્રિય યોગદાન આપ્યું હતું, જેને સહભાગીઓએ પણ બિરદાવ્યું હતું.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES