જામનગર શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં રાત્રિના સમયે ગેરકાયદેસર માછીમારી માટે આડેધડ જાળ બિછાવવામાં આવતી હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી. આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે જીવદયા પ્રેમીઓ દ્વારા સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેને ગંભીરતાથી લઈને ફાયર બ્રિગેડના જવાનોએ ડેમમાં સઘન ઓપરેશન હાથ ધર્યું હતું. સતત ત્રણ દિવસ સુધી ચાલેલી આ જટિલ કામગીરી દરમિયાન ડેમમાંથી કુલ ૧૭ જેટલી જોખમી જાળ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
બહાર કાઢવામાં આવેલી આ જાળ ૫૦ ફૂટથી પણ વધુ લાંબી અને વિશાળ હતી, જેને પાણીમાંથી બહાર ખેંચવા માટે બેથી ચાર માણસોની જરૂર પડતી હતી. ડેમમાં આ પ્રકારે આડેધડ પાથરેલી વિશાળ જાળને કારણે જળચરો અને પક્ષીઓ માટે અત્યંત ભયજનક સ્થિતિ સર્જાઈ હતી. શુક્રવારે મોડી રાત સુધી અને શનિવારે સવારે પણ ચાલુ રહેલી આ કાર્યવાહીમાં જાળમાં ફસાયેલા મોટી સંખ્યામાં માછલાં અને કરચલાંઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફાયર જવાનોએ માનવતા દાખવીને આ તમામ જીવોને સુરક્ષિત રીતે ફરીથી રણજીતસાગર ડેમના પાણીમાં મુક્ત કર્યા હતા, જ્યારે કાયદો તોડતી આ જાળમાંથી કેટલીક સળગાવી દેવાઈ હતી અને અન્ય તોડી નાખવામાં આવી હતી.
આ સમગ્ર અભિયાન દરમિયાન માત્ર જળચરો જ નહીં, પરંતુ એક અસહાય બતક પણ આ જીવલેણ જાળમાં ફસાઈ ગઈ હતી. બતક પાણીમાં તરફડિયાં મારતી હતી અને તેની ડોકમાં ગંભીર ઈજા પણ થઈ હતી. ત્વરિત કાર્યવાહી કરતા ફાયરમેને આ બતકને સુરક્ષિત રીતે બહાર કાઢીને પ્રાથમિક સારવાર અર્થે યોગ્ય સંસ્થાને સોંપી દીધી હતી. જોકે, આટલી જહેમત બાદ પણ લાંબો સમય જાળમાં ફસાઈ જવાના કારણે અમુક માછલાંનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને કારણે સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને ડેમ વિસ્તારમાં ગેરકાયદે માછીમારી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.
