JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

સુપ્રિમ કોર્ટની લપડાક: નેતાઓના ઈશારે નાચતા વહીવટી તંત્ર માટે સર્વોચ્ચ અદાલતનો કડક બોધપાઠ

સુપ્રિમ કોર્ટની લપડાક: નેતાઓના ઈશારે નાચતા વહીવટી તંત્ર માટે સર્વોચ્ચ અદાલતનો કડક બોધપાઠ
તામિલનાડુમાં કાર્તિકાઈ દીપમ્ વિવાદમાં અદાલતના આદેશની અવગણના કરવા બદલ સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ન્યાયિક આદેશોનું પાલન ન કરનાર અધિકારીઓને નોટિસ ફટકારી વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે.

દેશના લોકતંત્રમાં સંસદ, વહીવટી તંત્ર, ન્યાયતંત્ર અને પ્રેસ-મીડિયા ચાર આધારસ્તંભ છે, જેમાં બંધારણની મર્યાદામાં રહીને કામ કરવાનું ફરજિયાત છે. જનપ્રતિનિધિઓને ચોક્કસ મુદત બાદ જનતા પાસે જનાદેશ મેળવવા જવું પડે છે, જ્યારે બ્યુરોક્રેટ્સ નિવૃત્તિ સુધી શાસકોને બંધારણને અનુરૂપ શાસન ચલાવવામાં મદદરૂપ બને છે. જોકે, શાસકો કે રાજકીય નેતાઓ દ્વારા આપવામાં આવતા ગેરબંધારણીય કે ગેરકાનૂની આદેશોનું આંખો મીંચીને પાલન કરવું એ પણ કાયદાકીય રીતે ગેરબંધારણીય જ ઠરે છે. તાજેતરમાં દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યમાં બનેલી એક ઘટનાએ આ બાબતને બિલકુલ સાબિત કરી દીધી છે, જ્યાં વહીવટી તંત્રે કાયદાકીય મર્યાદાઓ અને ન્યાયિક આદેશોને નેવે મૂકીને મનસ્વી વલણ અપનાવ્યું હતું.

તમિલનાડુના તિરૂપારનકુંડ્રમ્ પહાડી વિસ્તારમાં આવેલા ભગવાન મુરૂગનના પ્રસિદ્ધ અરૂલમિગુ સુબ્રભેણ્યમ્ સ્વામી મંદિર સંકુલમાં કાર્તિકાઈ દીપમ્ અંતર્ગત દીપથૂન સ્તંભ પર દીપક પ્રગટાવવાની પરંપરા છે. આ અંગે વકફ બોર્ડના વિરોધ બાદ મદ્રાસ હાઈકોર્ટે જાન્યુઆરી ૨૦૨૬માં ભાવિકોને દીપથૂન પર દીપક પ્રગટાવવાની મંજૂરી આપી હતી, પરંતુ રાજ્ય સરકારે તેને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ગણાવી આદેશનો અમલ કર્યો નહોતો. ત્યારબાદ ૨૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ સુપ્રિમ કોર્ટે પણ વિશેષ મંજૂરી આપતો વચગાળાનો આદેશ આપ્યો હોવા છતાં, તંત્ર દ્વારા પરંપરાગત સ્તંભ પર દીપક પ્રગટાવાયો ન હતો. આ ગંભીર બાબતને ધ્યાને લઈને સુપ્રિમ કોર્ટે આદેશનું પાલન ન કરનાર ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરી વહીવટ બે નિવૃત્ત ન્યાયાધીશોને સોંપ્યો હતો અને સુરક્ષા સીઆરપીએફને હસ્તક કરી હતી.

સુપ્રિમ કોર્ટે આ મામલે સખ્ત રૂખ અપનાવતા તામિલનાડુના મુખ્યસચિવ, ડીજીપી અને મદુરાઈના કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓને અદાલતની અવગણના (કન્ટેમ્પ ઓફ કોર્ટ) ની નોટિસ ફટકારી છે. અદાલતે સ્પષ્ટ ટિપ્પણી કરી છે કે અધિકારીઓએ રાજકીય નેતાઓના ઈશારે આ કામ કર્યું છે અને આ પ્રકારની વહીવટી અરાજક્તા બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. કોર્ટે મુખ્યસચિવને વ્યક્તિગત હાજરી સાથે ટોપ-ટુ-બોટમ અધિકારીઓ વચ્ચેના કોલ રેકોર્ડ્સ અને ઈ-મેઈલ્સની વિગતો સાથે એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતના આ કડક આદેશ અને ચેતવણીથી દેશભરના બ્યુરોક્રેટ્સ અને વહીવટી તંત્ર માટે સ્પષ્ટ બોધપાઠ મળ્યો છે કે ન્યાયિક પ્રક્રિયા અને બંધારણીય આદેશોની અવગણના કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES