નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP-SP) ના સુપ્રિમો અને દિગ્ગજ રાજકીય નેતા શરદ પવારની તબિયતને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. ડિહાઇડ્રેશન અને અતિશય થાકને કારણે મુંબઈની પ્રખ્યાત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૮૫ વર્ષીય રાજ્યસભાના સાંસદ હાલ સારવારનો સારો પ્રતિસાદ આપી રહ્યા છે. પાર્ટીના સૂત્રો અને નજીકના નેતાઓએ પુષ્ટિ કરી છે કે તેમની હાલત સ્થિર છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જોકે, તબીબી સલાહ અને ઓબ્ઝર્વેશનને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ માеસમાં શરદ પવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે ત્રીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, જેનાથી પરિવારજનો અને સમર્થકોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું છે. આ પહેલાં ૨ નવેમ્બરે સોલાપુરના પ્રવાસ દરમિયાન અશક્તિ જણાતા તેમને પુણેની રૂબી હોલ ક્લિનિકમાં ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં ૭ નવેમ્બરે પણ તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. પવારના આ સતત સ્વાસ્થ્ય પ્રશ્નો પાછળ તેમનું અત્યંત વ્યસ્ત રાજકીય શેડ્યૂલ અને અવિરત પ્રવાસો મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે, જેને લઈને પરિવારના સભ્યો પણ ચિંતિત છે.
પવારના પુત્રી અને એનસીપી (એસપી) ના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળે તેમજ પૌત્ર રોહિત પવારે મીડિયા અને પાર્ટીના કાર્યકર્તાઓને તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા શાંતિ જાળવવા અપીલ કરી છે. સુપ્રિયા સુળેએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પિતા કામ પ્રત્યેના ભારે સમર્પણના કારણે આરામ નથી કરી રહ્યા અને ડૉક્ટરોની સલાહ છતાં સતત મુસાફરી કરી રહ્યા છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી અને યોગ્ય કાળજી લેવા સલાહ આપી હતી. હાલ પવારના ખબરઅંતર પૂછવા માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ પણ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે.
