JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રાજકોટ સિવિલ હોસ્પિટલની પેથોલોજી લેબના ટેન્ડર પ્રકરણમાં RTIના જવાબમાં માત્ર બે આંકડા અપાયા

રાજકોટ સિવિલ હોસ્પિટલની પેથોલોજી લેબના ટેન્ડર પ્રકરણમાં RTIના જવાબમાં માત્ર બે આંકડા અપાયા
રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના પેથોલોજી ટેસ્ટ સંબંધિત માહિતી માંગતી આરટીઆઈ અરજીના જવાબમાં તંત્ર દ્વારા માત્ર બે જ આંકડા આપીને સંતોષ માનવામાં આવ્યો છે. કઈ લેબને કામ અપાયું અને કેટલા રૂપિયા ચૂકવાયા તે અંગેની તમામ મહત્વની વિગતો જાણી જોઈને છુપાવવામાં આવતા પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.

રાજકોટ સ્થિત પ્રખ્યાત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલની પેથોલોજી લેબ સેવાઓના ટેન્ડર પ્રકરણમાં ગેરરીતિની આશંકા વચ્ચે સત્ય બહાર લાવવા માટે જાણીતા આરટીઆઈ કાર્યકરો સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ એક મહત્વપૂર્ણ અરજી કરવામાં આવી હતી. આ અરજીનો હેતુ હોસ્પિટલમાં દાખલ એટલે કે ઈન્ડોર દર્દીઓના જે પેથોલોજી ટેસ્ટ ટેન્ડર અંતર્ગત તેમજ ટેન્ડર વગર બહારની ખાનગી લેબોરેટરીઓમાં કરાવવામાં આવ્યા હતા, તેની સંપૂર્ણ અને પારદર્શક વિગતો મેળવવાનો હતો. અરજદારો દ્વારા ટેસ્ટના પ્રકાર, તેની ચોક્કસ સંખ્યા, જે લેબમાં ટેસ્ટ કરાયા તેના નામ, નક્કી કરાયેલા દર અને તેના માટે સરકારી તિજોરીમાંથી ચૂકવવામાં આવેલી કુલ રકમ સહિતની વિસ્તૃત માહિતી માંગવામાં આવી હતી, જેથી સમગ્ર પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા થઈ છે કે નહીં તેની સ્પષ્ટતા થઈ શકે.

પરંતુ, આશ્ચર્યજનક બાબત એ બની કે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આરટીઆઈના જવાબમાં માત્ર બે જ આંકડા રજૂ કરીને સંતોષ માનવામાં આવ્યો છે. તંત્ર દ્વારા માત્ર એટલી જ માહિતી આપવામાં આવી કે ગત તારીખ 01 મે 2025 થી 16 ઓક્ટોબર 2026 દરમિયાન એમઓયુ ટેસ્ટ 10,006 થયા છે અને નોન-એમઓયુ ટેસ્ટ 1,131 થયા છે. આ સિવાયના કયા ટેસ્ટ કરાયા, કઈ લેબને ઓર્ડર અપાયા, દર શું હતા અને નાણાકીય ચૂકવણી કેટલી થઈ તે અંગેનો કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, નિયમ મુજબ માહિતી ન આપવા પાછળનું કોઈ ચોક્કસ કારણ કે આરટીઆઈ અધિનિયમની કોઈ કલમ પણ જવાબમાં ટાંકવામાં આવી નથી, જે તંત્રની બેદરકારી અને માહિતી છુપાવવાની માનસિકતા સ્પષ્ટપણે દર્શાવે છે. નોંધનીય છે કે આમાં ૧,૧૩૧ જેટલા ટેસ્ટ તો સીધા જ ટેન્ડર વગર બહારની લેબમાં કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે.

આ અધૂરા અને ગેરમાર્ગે દોરનારા જવાબ સામે રોષે ભરાયેલા આરટીઆઈ કાર્યકરોએ આક્રમક વલણ અપનાવતા આગામી કાનૂની લડાઈના એંધાણ આપ્યા છે. કાર્યકરોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલે માહિતી અધિકાર અધિનિયમની કલમ 19(1) હેઠળ પ્રથમ અપીલ દાખલ કરશે અને જરૂર પડ્યે ગુજરાત રાજ્ય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ કરીને ન્યાયની માંગ કરશે. આ ઉપરાંત, આ અધૂરા જવાબની નકલ ગાંધીનગર ખાતેના અધિક નિયામક (આરોગ્ય સેવાઓ) સમક્ષ અગાઉ કરવામાં આવેલી ફરિયાદમાં એક પૂરક દસ્તાવેજ તરીકે પણ જોડવામાં આવશે, જેથી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય વિભાગીય તપાસ થઈ શકે અને સરકારી નાણાંના દુરૂપયોગનું સાચું ચિત્ર જનતા સમક્ષ આવી શકે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES