JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

રાજકોટ ભાજપમાં જૂથવાદના જોખમે સેવાદૂતોના નામ ગુપ્ત રખાયા, સસ્પેન્સ યથાવત

રાજકોટ ભાજપમાં જૂથવાદના જોખમે સેવાદૂતોના નામ ગુપ્ત રખાયા, સસ્પેન્સ યથાવત
રાજકોટ શહેરની ચાર વિધાનસભા બેઠકો પર આગામી 'સેવા દૂત અભિયાન' માટે નિમણૂક પામનારા નેતાઓના નામો જૂથવાદ અને વિવાદના ડરથી ગુપ્ત રાખવામાં આવ્યા છે. પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ સ્થિતિનો તાગ મેળવવા માટે કોઈ મહિલા આગેવાનને મેદાને ઉતારે તેવી પ્રબળ અટકળો છે.

રાજકોટ શહેરની પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્ય એમ ચારેય વિધાનસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 'સેવાદૂત' તરીકે કોની નિમણૂંક કરવામાં આવશે તે મામલે ભારે રાજકીય સસ્પેન્સ સર્જાયું છે. રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં પ્રવર્તમાન આંતરિક જૂથવાદ અને અતિશય ખેંચતાણને કારણે નામો જાહેર કરવાનું ટાળવામાં આવ્યું છે. સાચી રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પાર્ટી કોઈ મહિલા ધારાસભ્ય કે સિનિયર મહિલા નેતાને આ જવાબદારી સોંપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેથી સંભવિત વિવાદોને સમયસર ટાળી શકાય.

આ રાજકીય ગતિરોધ વચ્ચે તાજેતરમાં જ રાજકોટ મહાનગર કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય ભાજપના 'સેવા દૂત અભિયાન' અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાઈ હતી. રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમરપાલ મૌર્ય, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને સહસંગઠન મહામંત્રી અરૂણ બિન્નાડી સહિતના શીર્ષ નેતાઓની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી ૧ થી ૨૫ ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ અભિયાનની રૂપરેખા સ્પષ્ટ કરવામાં આવી હતી, જેમાં સેવાદૂતો પોતાના ગૃહ જિલ્લા સિવાયના ફાળવાયેલા ક્ષેત્રમાં ૨૫ દિવસ સુધી આવાસીય પ્રવાસ કરી સંગઠન અને સરકારી યોજનાઓની કામગીરી સંભાળશે.

આ ૨૫ દિવસીય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધવાનો છે. સેવાદૂતો દ્વારા વોર્ડ દીઠ સ્વચ્છતા અભિયાન, રમત-ગમત સ્પર્ધાઓ, સ્વાસ્થ્ય શિબિરો, નશામુક્ત અભિયાન તેમજ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોની સેવા જેવા વિવિધ રચનાત્મક કાર્યોનું આયોજન કરવામાં આવશે. પાર્ટીના આ ભગીરથ આયોજનને સફળ બનાવવા માટે તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને પોતાની સંપૂર્ણ શક્તિ સાથે જોડાઈને જનભાગીદારી વધારવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES