ભાવનગર જિલ્લામાં નશાના કારોબારોને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા 'ડ્રગ્સ ફ્રી ભાવનગર' કેમ્પેઈન અતર્ગત અત્યંત આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે ભાવનગર પોલીસે છેલ્લા ૨૪ કલાકની અંદર જ બે અલગ-અલગ સફળ ઓપરેશન પાર પાડીને રૂા. ૫૦ લાખથી વધુની કિંમતનો ૧૦૦ કિલોગ્રામથી વધુનો પ્રતિબંધિત ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી નશેડીઓ અને ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
આ ઓપરેશનની મુખ્ય કડીરૂપે, બગદાણા પંથકના કળમોદર ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા લીલા ગાંજાના વિશાળ વાવેતરનો પર્દાફાશ થયો છે. અહીં એક ખેડૂતે મુખ્ય પાક એવા કપાસની આડમાં છુપી રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું જેથી કોઈની નજર ન પડે. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને સ્થળ પરથી ૧૬૧ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા, જેનું કુલ વજન ૧૦૦ કિલોથી વધુ થાય છે અને જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૫૦ લાખી વધુ આંકવામાં આવી છે. આ કેસમાં ઘોહાભાઈ ભમ્મર નામના ખેડૂતની અટકાયત કરવામાં આવી છે, જેણે પ્રાથમિક પૂછપરછમાં ઝડપથી વધુ નાણાં કમાવવાની લાલચે આ ગેરકાયદે કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી છે.
ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ ડ્રગ્સની હેરાફેરી સામે પોલીસ સતર્ક રહી છે, જેના ભાગરૂપે ઘોઘારોડ વિસ્તારમાંથી ૯૩ ગ્રામ ગાંજા સાથે અન્ય એક શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર, આ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કુલ ૩૫ કેસ નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ યુનિફોર્મ્ડ અને સઘન તપાસના કારણે અસામાજિક તત્વોના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું છે અને યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.
