JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

રાજકીય દબાણ અને વિવાદો વચ્ચે આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ અચાનક સ્થગિત, ૯૦૦ મકાનો પર બુલડોઝર ફરતા અટક્યા

રાજકીય દબાણ અને વિવાદો વચ્ચે આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ અચાનક સ્થગિત, ૯૦૦ મકાનો પર બુલડોઝર ફરતા અટક્યા
રાજકોટના મહત્ત્વાકાંક્ષી આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મેયરના જ મતવિસ્તારમાં ડિમોલિશન સામે મનાઈ હુકમ આવતા અને રાજકીય અનિચ્છાના કારણે આ કરોડોનો પ્રોજેક્ટ હાલ પૂરતો અદ્ધરતાલ કરી દેવાયો છે.

રાજકોટના મધ્યમાંથી પસાર થતી આજી નદીને સુંદર અને સ્વચ્છ બનાવવા માટેનું આયોજન વર્ષોથી કાગળ પર જ સીમિત રહ્યું છે. નવું સંસદ ભવન અને સાબરમતી રિવર ફ્રન્ટ બનાવનાર પ્રખ્યાત કન્સલ્ટન્સી એજન્સી એચ.સી.પી. (HCP) દ્વારા આજી રિવર ફ્રન્ટના પ્રથમ ફેઝની ફાઇનલ ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, રામનાથ મહાદેવ મંદિરની આસપાસ ૨૫૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યો માટેનો વર્ક ઓર્ડર પણ આપી દેવાયો હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે બજેટમાં માત્ર લોલીપોપ આપવા સિવાય જમીની સ્તરે કોઈ નક્કર કામગીરી થઈ નથી અને હવે સત્તાવાર રીતે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ અચાનક રોકી દેવા પાછળનું મુખ્ય કારણ મેયર ડો. નેહલ શુક્લના વોર્ડ નં. ૭માં આવતા આજી નદી કાંઠાના વિસ્તારો છે. પ્રોજેક્ટના પ્રથમ ફેઝની શરૂઆત કરવા માટે નદી કિનારાના ગેરકાયદે બાંધકામો હટાવવા અનિવાર્ય હતા, જેમાં ૯૦૦થી વધુ મકાનો કપાતમાં આવે તેમ છે. પરંતુ આ ડિમોલિશનની કાર્યવાહી સામે કાનૂની મનાઈ હુકમ આવી જવાથી અને રાજકીય હિતો જોખમાતા આખો પ્રોજેક્ટ જ અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ૮૭ જેટલી ક્વેરીઝ અને નદીમાં ઠલવાતા ૩૦ જેટલા મોટા વોંકળાના ગંદા પાણીના નિકાલ માટે ડક કેનાલ કે શુદ્ધિકરણની તકનીકી બાબતો પણ માત્ર કાગળ પર જ રહી ગઈ છે, જેના કારણે પ્રજાના નાણાં અને આયોજન પાણીમાં ગયા છે.

અગાઉ સામાન્ય સભામાં વિપક્ષી નેતાઓ દ્વારા ઇન્ટરસેપ્ટર સીવેજ લાઇનના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. નદીને બારેમાસ શુદ્ધ રાખવા માટે મીની સુએઝ ફિલ્ટર પ્લાન્ટ અને અલગ પાઇપલાઇન નાખવાના મોટા-મોટા દાવાઓ એજન્સી દ્વારા પ્રેઝન્ટેશનમાં કરવામાં આવ્યા હતા, છતાં જમીની હકીકત શૂન્ય સમાન રહી છે. ૧૧.૫૦ કિલોમીટરના વિસ્તારમાં ડિમાર્કેશનની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બાળમરણ પામવાની સ્થિતિમાં પહોંચી ગયો છે, જેનાથી શહેરીજનોમાં ભારે નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES