ખેડા જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી સામે જિલ્લા પોલીસ દ્વારા સકંજા વધુ કડક કરવામાં આવ્યો છે. ખેડા-નડિયાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે માતર તાલુકાના લીંબાસી વિસ્તારમાં આવેલા નધાનપુર ગામે એક રહેણાંક મકાનમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે મકાનની અંદરથી મોટા પ્રમાણમાં નશાકારક દવાઓનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી તપાસ હાથ ધરીને PHENCOF કંપનીની ૧૦૦ એમએલની કોડેઈન યુક્ત કફ સીરપની કુલ ૨૨૧ બોટલો કબ્જે કરી હતી.
આ સફળ દરોડામાં પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરેલી કફ સીરપની બોટલો ઉપરાંત એક મોબાઇલ ફોન સહિત કુલ ₹૯૩,૭૫૮ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે મકાનમાલિક અને ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા રાજેશકુમાર ઉર્ફે રાજુ રામાભાઈ પરમાર નામના શખ્સની સ્થળ પરથી જ ધરપકડ કરી કાયદેસરની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જથ્થાનો ઉપયોગ નશા માટે અથવા તો યુવાધનને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવનાર હતો, જેને પોલીસે સમયસર પકડીને મોટો અનર્થ થતો અટકાવ્યો છે.
પકડાયેલા મુખ્ય આરોપીની કડક પૂછપરછ દરમિયાન આ નશાકારક સિરપના નેટવર્ક અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજેશકુમારને આ પ્રતિબંધિત જથ્થો સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર સંજય રતીલાલ હોવાનું સામે આવ્યું છે, જે ધોળકાના કલીકુંડ વિસ્તારનો રહેવાસી છે. પોલીસે આ મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ કફ સીરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને ખેડા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કયા કયા શખ્સોને આ નશાકારક પદાર્થો વેચવામાં આવતા હતા.
