હવામાન બદલાતાની સાથે જ ખાણીપીણીના શોખીનોની પસંદગીમાં પણ મોટો ફેરફાર જોવા મળે છે. ઉનાળામાં ઠંડા પીણા અને આઈસ્ક્રીમનું સ્થાન શિયાળામાં ગરમ અને તંદુરસ્ત પીણાં લઈ લે છે. આ જ ક્રમમાં જામનગરનું પ્રખ્યાત આયુર્વેદિક પીણું 'કાવો' હાલ સમગ્ર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કડકડતી ઠંડી પડતાની સાથે જ જામનગરની કાવાની દુકાનો અને લારીઓ પર લોકોની લાંબી કતારો જોવા મળે છે. માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં વસતા પ્રવાસીઓ પણ આ અદ્ભુત પીણાના સ્વાદના દીવાના બન્યા છે અને પોતાના પરિવારજનો માટે ખાસ જામનગરી કાવાનો મસાલો અચૂક મંગાવે છે.
આ કાવાની વિશેષતા તેની સંપૂર્ણ આયુર્વેદિક બનાવટ અને તેમાં વપરાતા અનોખા મસાલા છે. બુંદદાણા, આદુનો રસ, સંચળ, સુંઠ પાવડર, તુલસી, લવિંગ અને મરી સહિતના ૪૨ જેટલા વિવિધ આયુર્વેદિક મસાલાઓને ચોક્કસ પ્રમાણમાં ભેળવીને આ કાવા તૈયાર કરવામાં આવે છે. પાંચ પેઢીથી આ વ્યવસાય સાથે જોડાયેલા કેવલ નાખવા જણાવે છે કે આ કાવા ખાટા, ખારા, તૂરા, તીખા અને મીઠા એમ તમામ સ્વાદના અદ્ભુત સમન્વય સાથે ગ્રાહકોની પસંદગી મુજબ તૈયાર થાય છે. ખાસ તાંબાની કોઠીમાં આ મસાલાઓને ઉકાળીને તેમાં લીંબુ અને મસાલો ઉમેરીને ગરમાગરમ પીરસવામાં આવતું આ પીણું એક જ ઘૂંટમાં શરીરમાં અભૂતપૂર્વ સ્ફૂર્તિ ભરી દે છે.
સ્વાદની સાથે-સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ કાવો અમૃત સમાન સાબિત થાય છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, અપચો અને પિત્તવાયુ જેવી અનેક મોસમી બિમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે લોકો નિયમિતપણે કાવાનું સેવન કરે છે. સાંજના સમયે ગરમાગરમ કાવાનો કપ પીવો એ જામનગરવાસીઓ માટે શિયાળાની એક વિશેષ દિનચર્યા બની ગઈ છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઠંડી સામે રક્ષણ મેળવવા અને પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા આ સ્વાદિષ્ટ અને ગુણકારી પીણાનો આનંદ ઉઠાવે છે.
