મેરા યુવા ભારત અને રાજકોટ યુવા કાર્યક્રમ તથા રમતગમત મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં સંવિધાન દિવસ તથા યુથ પાર્લામેન્ટ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ સમારોહમાં દેશના બંધારણના મૂલ્યો અને લોકશાહીની પરંપરાઓને યુવા પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમે શૈક્ષણિક જગતમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સરકારી યોજનાઓ અને પ્રવૃત્તિઓથી યુવાનોને માહિતગાર કરતા જિલ્લા યુવા અધિકારી તથા માય ભારત ગાંધીનગરના ડાયરેક્ટર સચિનભાઈએ 'મેરા યુવા ભારત' દ્વારા અત્યાર સુધીમાં યોજાયેલા વિવિધ રચનાત્મક કાર્યક્રમોની વિગતવાર માહિતી રજૂ કરી હતી. આ અવસરે રમતગમતના સ્પોર્ટ્સ પર્સન તરીકે ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ હેમાલી વ્યાસનું સરકાર તરફથી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે જ, આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ભવ્ય આયોજનમાં જાણીતા ભજનિક હેમંત ચૌહાણ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત સમાજ કાર્ય ભવનના રાજુ દવે, લો કોલેજના પ્રિન્સિપાલ આનંદ ચૌહાણ, ભાજપના પ્રેસ મીડિયા અગ્રણી અરુણ નિર્મળ, આદિવાસી અગ્રણી ભાવનાબેન લીડિયા અને માય ભારતના કો-ઓર્ડિનેટર રાજુ રાઠોડ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને યુવાનોએ એકસૂરે વ્યસનમુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈને નશા મુક્તિના શપથ ગ્રહણ કર્યા હતા.
