JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ત્રણ વર્ષથી ગુમ નિવૃત્ત જજને શોધવામાં નિષ્ફળ રહેલી પોલીસ સામે હાઇકોર્ટનો લાલઘૂમ અંદાજ

ત્રણ વર્ષથી ગુમ નિવૃત્ત જજને શોધવામાં નિષ્ફળ રહેલી પોલીસ સામે હાઇકોર્ટનો લાલઘૂમ અંદાજ
અમદાવાદના નિવૃત્ત મેજિસ્ટ્રેટ છેલ્લા ત્રણ વર્ષથી રહસ્યમય સંજોગોમાં ગુમ હોવા છતાં પોલીસ પત્તો મેળવવામાં નિષ્ફળ રહી છે. આ ગંભીર બેદરકારી બદલ ગુજરાત હાઇકોર્ટે પોલીસ તંત્રની ઝાટકણી કાઢી રાજ્યના વહીવટી તંત્રને આડે હાથ લીધું છે.

અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી ચૂકેલા ગુજરાતના નિવૃત્ત જજ રાજેશભાઈ વિનોદરાય ઓઝા સપ્ટેમ્બર ૨૦૨૩થી પોતાના ઘરેથી રહસ્યમય સંજોગોમાં લાપતા થયા છે. આ ઘટનાને ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ તંત્ર તેમની કોઈ ભાળ મેળવી શક્યું નથી. સ્થાનિક પોલીસ દ્વારા તપાસમાં દાખવવામાં આવેલી ઘોર ઉદાસીનતા અને નબળી કાર્યપદ્ધતિથી કંટાળીને આખરે નિવૃત્ત જજની પુત્રીએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે.

આ મામલે જસ્ટિસ ભાર્ગવ કારીઆ અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન અદાલતે પોલીસની નિષ્ક્રિયતા પર અત્યંત આકરી નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે વેધક સવાલો ઉઠાવતા ટકોર કરી હતી કે જો એક નિવૃત્ત ન્યાયિક અધિકારી સાથે આવું બની શકતું હોય, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાની શું સ્થિતિ હશે? અદાલતે એક તબક્કે રાજ્યના પોલીસ વડાને રૂબરૂ બોલાવવાની અને કસૂરવાર પોલીસ કર્મચારીઓને ઘરભેગા કરવાની કડક ચીમકી પણ ઉચ્ચારી હતી, જેના કારણે સમગ્ર સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

અરજદાર પુત્રીએ કોર્ટને જણાવ્યું હતું કે પિતાના ગુમ થયા બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં પોલીસે એફઆઇઆર નોંધવાને બદલે માત્ર 'જાણવા જોગ' એન્ટ્રી કરીને સંતોષ માની લીધો હતો, જેના કારણે પરિવારને પેન્શન જેવા હકો મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ ગંભીર મામલે હાઇકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર અને શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. સાથે જ, આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES