જામ ખંભાળિયા બાર એસોસિએશન દ્વારા ચૂંટણી પ્રક્રિયા સમયસર શરૂ ન કરવા, મતદાર યાદી તૈયાર ન કરવા તેમજ ચૂંટણી અધિકારીની નિમણૂક ન કરવા જેવી ગંભીર બેદરકારી સામે આવી હતી. આ મામલે એડવોકેટ સંજય વી. આંબલીયા દ્વારા ગુજરાત બાર કાઉન્સિલ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સિલ દ્વારા ગત ૨૪ ઓક્ટોબરે રાજ્યની તમામ બાર એસોસિએશનોની ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર કરીને આગામી ૧૮ ડિસેમ્બરે ચૂંટણી યોજવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. તેમ છતાં, ખંભાળિયા બાર એસોસિએશનના સત્તાધીશો દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણીલક્ષી પ્રાથમિક કામગીરી પણ હાથ ધરવામાં આવી નહોતી.
અરજદાર એડવોકેટ સંજય આંબલીયા દ્વારા કરવામાં આવેલી અરજી બાદ ગુજરાત બાર કાઉન્સિલની કલમ 49(જી) હેઠળ રચાયેલી સ્પેશિયલ કમિટી સમક્ષ આ મામલે સઘન સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કમિટીએ વર્તમાન પ્રમુખ અને સેક્રેટરી દ્વારા બાર કાઉન્સિલના અગાઉના આદેશોનું પાલન કરવામાં દાખવવામાં આવેલી બેદરકારીની અત્યંત ગંભીર નોંધ લીધી હતી. કમિટી સમક્ષ રજૂ થયેલા પુરાવાઓ અને દલીલોના આધારે સ્પેશિયલ કમિટીએ ગત ૨૫ નવેમ્બરના રોજ એક ખાસ હુકમ પસાર કર્યો છે, જેમાં એસોસિએશનને આદેશ મળ્યાની તારીખથી માત્ર ત્રણ દિવસની અંદર જ ચૂંટણીનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવા માટે તાકીદ કરવામાં આવી છે.
આ મામલે એડવોકેટ સંજય આંબલીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ સમગ્ર કાનૂની લડત કોઈ વ્યક્તિગત હોદ્દો કે સ્વાર્થ મેળવવા માટે નહીં, પરંતુ બાર એસોસિએશનના તમામ વકીલ સભ્યોના લોકશાહી અધિકારોના રક્ષણ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે હતી. બાર એસોસિએશન એ કોઈ ચોક્કસ વ્યક્તિની મિલકત નથી, પરંતુ તમામ સભ્યોની એક પ્રતિષ્ઠિત લોકશાહી સંસ્થા છે. જો હવે પણ એસોસિએશન દ્વારા આ આદેશનું પાલન કરવામાં કસૂર કરવામાં આવશે, તો ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સીધી જ સ્વતંત્ર ચૂંટણી કમિશનરની નિમણૂક કરીને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું પણ હુકમમાં જણાવવામાં આવ્યું છે.
