JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગર ગ્રાહક કોર્ટનો મોટો ચુકાદો: વીમા કંપનીએ વ્યાજ સાથે ચૂકવવી પડશે દાવાની રકમ

જામનગર ગ્રાહક કોર્ટનો મોટો ચુકાદો: વીમા કંપનીએ વ્યાજ સાથે ચૂકવવી પડશે દાવાની રકમ
જામનગરમાં ગ્રાહક સુરક્ષા આયોગ દ્વારા વીમા કંપનીની મનમાની સામે મોટો આદેશ આપવામાં આવ્યો છે. લોન પ્રોટેક્શન વીમાનો દામ રદ કરનાર આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સને વ્યાજ અને વળતર સાથે રકમ ચૂકવવાનો નિર્દેશ કરાયો છે.

જામનગરના રહેવાસી શંકરીદેવી લાડુલાલ જાટ અને તેમના દિવંગત પતિએ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી વાહન લોન લીધી હતી. આ લોનની સુરક્ષા માટે આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વીમો ખરીદવામાં આવ્યો હતો. વીમો લેતી વખતે કંપનીએ સ્પષ્ટ ખાતરી આપી હતી કે વીમાધારકનું કોઈપણ સંજોગોમાં અવસાન થાય તો લોનની બાકી રકમ ભરપાઈ કરવી પડશે નહીં. સમયગાળા દરમિયાન લાડુલાલ જાટની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.

પતિના નિધન બાદ શંકરીદેવીએ નિયમોનુસાર વીમા કંપની સમક્ષ રૂા. 4,32,231/- નો ક્લેઈમ રજૂ કર્યો હતો. આ રકમ લોન ખાતામાં જમા કરીને બાકીની રકમ ચૂકવી આપવાની માંગણી કરવામાં આવી હતી. જોકે, વીમા કંપની દ્વારા કોઈપણ વ્યાજબી કારણ વગર આ ક્લેઈમ રદ કરી દેવામાં આવ્યો હતો અને નાણાં ચૂકવવાનો સાફ ઇનકાર કર્યો હતો. કંપનીના આ અન્યાયી વલણથી નારાજ થઈને નોમિની શંકરીદેવીએ પોતાના વકીલ મયુર ડી. કટારમલના માધ્યમથી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં વીમા કંપની અને બેંક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદીના વકીલે નામદાર નેશનલ અને સ્ટેટ કમિશનના અગાઉના ચુકાદાઓ ટાંકીને કાયદાની મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવા અને દલીલોને ધ્યાને લઈને ગ્રાહક આયોગના પ્રમુખ પી.સી. રાવલ અને સભ્ય જે.એચ. મકવાણાએ ફરિયાદીની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આયોગે આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને વીમાના રૂા. 4,32,231/- છ ટકા વાર્ષિક વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસ અને કેસના ખર્ચ પેટે વધારાના રૂા. 5,000/- વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે, જેનાથી સત્યનો વિજય થયો છે અને વીમાધારક પરિવારને મોટી રાહત મળી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES