ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા વડોદરામાં હાથ ધરવામાં આવેલા એક અત્યંત સફળ અને ચોક્કસ ઓપરેશનમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ૨૨ વર્ષીય આતંકી મોહમ્મદ સહારુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી છે. મૂળ આસામના વતની એવા આ આતંકીને વડોદરાના જરોદ વિસ્તાર અને એક હોટેલમાંથી દબોચી લેવામાં આવ્યો છે. તેની પાસેથી અત્યંત ઘાતક AK-47 રાઈફલ અને ૨૩ જીવતા કારતુસ કબ્જે કરીને ATS દ્વારા UAPA એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા છ મહિનાથી આ આતંકીની હિલચાલ પર એજન્સીની બાજ નજરે હતી અને 23 નવેમ્બરે તે ગુજરાતમાં પ્રવેશ્યાની માહિતી મળતા જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન આતંકીના મોબાઈલ ફોનમાંથી સામે આવેલા પુરાવાઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. તેના ફોનમાંથી ફાયરિંગ પ્રેક્ટિસ કરતો વીડિયો તેમજ AK-47 ચલાવવાની ટ્રેનિંગના ક્લિપ્સ મળી આવ્યા છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે આતંકી યુટ્યુબ અને પોતાના હેન્ડલર પાસેથી તાલીમ મેળવીને આ રાઈફલ ચલાવતા શીખ્યો હતો. તે છેલ્લા એક વર્ષથી જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર 'મુફ્તિ રફીક'ના સંપર્કમાં હતો અને તેને હુમલા માટે ૫૦ હજાર રૂપિયા પણ મળ્યા હતા. આસામની મદરેસામાં અભ્યાસ કરીને કટ્ટરપંથી બનેલો આ શખ્સ વડોદરા એરફોર્સ સ્ટેશન પર લોન વુલ્ફ અટેક કરવાની ફિરાકમાં હતો અને તેણે ટાર્ગેટની રેકી પણ કરી લીધી હતી.
આ સમગ્ર પ્રકરણમાં 'લોન વુલ્ફ એટેક'નું કાવતરું સામે આવ્યું છે, જેમાં કોઈ મોટી ટોળકી વગર એક જ વ્યક્તિ સોશિયલ મીડિયાથી પ્રેરિત થઈને હુમલાને અંજામ આપે છે. આવા હુમલાઓનું નેટવર્ક ના હોવાથી સુરક્ષા એજન્સીઓ માટે તેને રોકવા પડકારરૂપ બને છે, પરંતુ ગુજરાત ATSની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભાગી જવાની યોજના ધરાવતો હતો. હાલ ATS દ્વારા દાહોદથી હથિયાર મેળવવાથી લઈને આસામ અને વડોદરા સુધીના તેના તમામ લોકલ કનેક્શન્સ અને સહયોગીઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
