દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગુરુવારે સંવિધાન દિવસની અનોખી શૈલીમાં ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે 'આપણું સંવિધાન, આપણું ગૌરવ'ના દ્રઢ સંકલ્પ સાથે એક ભવ્ય 'સંવિધાન ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. સમતામૂલક, લોકશાહી અને ગરિમામય ભારતીય સંવિધાનના સન્માનમાં યોજાયેલી આ યાત્રાનો પ્રારંભ જામ ખંભાળિયા નગરપાલિકા ભવન ખાતેથી કરવામાં આવ્યો હતો.
આ યાત્રા ખંભાળિયા શહેરના મુખ્ય અને ધમધમતા માર્ગો પરથી પસાર થઈને મિલન ચાર રસ્તા ખાતે આવેલા ભારતીય સંવિધાનના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી પહોંચી હતી. આ યાત્રા દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને સંવિધાન પ્રત્યેના આદરભાવથી છલકાઈ ઉઠ્યું હતું. નગરના વિવિધ માર્ગો પર ઉત્સાહી કાર્યકર્તાઓ અને નાગરિકોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું, જેનાથી લોકશાહીના પાવન પર્વનો માહોલ સર્જાયો હતો.
સમાપન સ્થાને પહોંચીને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે સંવિધાનના મૂળભૂત સિદ્ધાંતો જેવા કે સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યોને જન-જન સુધી પહોંચાડવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને લોકશાહીના આદર્શોનું હંમેશાં જતન કરવાના શપથ સાથે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
