JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકાના ૨૦% ટેરિફ પ્રસ્તાવથી ભડક્યું ચીન, ખોટો નિર્ણય પાછો ખેંચવાની આપી ચેતવણી

અમેરિકાના ૨૦% ટેરિફ પ્રસ્તાવથી ભડક્યું ચીન, ખોટો નિર્ણય પાછો ખેંચવાની આપી ચેતવણી
અમેરિકા દ્વારા આયાત પર ૨૦ ટકા સુધીનો ટેરિફ લગાવવાના પ્રસ્તાવ સામે ચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ચીને આ નિર્ણયને ખોટો ગણાવીને જો જરૂર પડશે તો વળતો પ્રહાર કરવાની સ્પષ્ટ ચેતવણી આપી છે.

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર ક્ષેત્રે ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાએ ચીન, યુરોપિયન સંઘ અને જાપાન સહિતના તેના મુખ્ય વેપારી ભાગીદારો પર વીસ ટકા સુધીનો આયાત વેરો (ટેરિફ) લાદવાનો મોટો પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવમાં ચીનને એવા અર્થતંત્રોમાં સામેલ કરવામાં આવ્યું છે જેના પર સૌથી વધુ વીસ ટકા જેટલો વેરો લાગવાની સંભાવના છે. અમેરિકાના આ એકતરફી પગલાંથી ડ્રેગન એટલે કે ચીન ભારે રોષે ભરાયું છે અને તેણે આ પ્રસ્તાવનો સખત શબ્દોમાં વિરોધ પ્રગટ કર્યો છે.

ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા હે યાદોંગે અમેરિકાની આ નીતિની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા વધારાની ઉત્પાદન ક્ષમતાનો ખોટો હવાલો આપીને સંરક્ષણવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાની આ તપાસ અને પ્રસ્તાવ એકતરફી કાર્યવાહી સમાન છે, જેને ચીન કોઈપણ સંજોગોમાં સ્વીકારવાના મૂડમાં નથી. ચીને અમેરિકાને પોતાની આ ખોટી રીતભાત તાત્કાલિક સુધારીને એકપક્ષીય પગલાં લેવાને બદલે માત્ર વાતચીત અને પરસ્પર પરામર્શ દ્વારા જ વેપારિક મતભેદો ઉકેલવા પર ભાર મૂક્યો છે.

બીજી બાજુ, અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે સ્પષ્ટતા કરી છે કે આ પ્રસ્તાવિત આયાત વેરો બેઇજિંગ સાથે ચાલી રહેલી વેપાર મંત્રણાનો જ એક ભાગ છે. આમ છતાં, ચીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા પોતાનો આ ખોટો નિર્ણય પાછો નહીં ખેંચે તો તે પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી અને વળતા પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે. હાલ તો આ સમગ્ર ઘટનાક્રમ પર આખી દુનિયાની નજર છે કેમ કે બંને મહાસત્તાઓ વચ્ચેના આ વેપાર યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઘેરી અસરો પડી શકે છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES