મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આદેશ અનુસાર, હવે દાદર અને માહિમ દરિયાકિનારે કબૂતરને દાણા કે ખોરાક નાખવો ભારે પડી શકે છે. પાલિકા તંત્રએ આ વિસ્તારોમાં કબૂતરને ખોરાક આપતા ઝડપાનાર ઇસમો પાસેથી ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા સતત મળી રહેલી ફરિયાદો અને અનિયંત્રિત સ્થિતિને ડામવા માટે પાલિકાએ આ કડક પગલું ભર્યું છે.
સ્થાનિક રહેવાસીઓએ અગાઉ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી કે દરિયાકિનારે કબૂતરને ખવડાવવાને કારણે ભારે ગંદકી ફેલાય છે અને ખરાબ વાસ તથા ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઊભા થઈ રહ્યા છે. બોમ્બે હાઈકોર્ટના આદેશ અનુસાર મુંબઈના ૫૧ કબૂતરખાનાઓ (જેમાં દાદરનું ઐતિહાસિક કબૂતરખાનું પણ સામેલ છે) બંધ કરવામાં આવ્યા હોવાથી આ સમસ્યા વધુ વકરી હતી. કબૂતરખાનાઓ સીલ થયા બાદ ભૂખ્યા કબૂતરોએ આસપાસના રસ્તાઓ અને દરિયાકિનારા તરફ આશરો લીધો હતો, જેના કારણે દાદર સ્ટેશનથી કબૂતરખાનાને જોડતા માર્ગો પર ટ્રાફિક જામ અને અકસ્માતોનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી ગયું હતું.
પાલિકાના આ કડક આદેશથી જાહેર સ્વચ્છતા જળવાઈ રહેશે અને નાગરિકોને સ્વાસ્થ્ય લગતી સમસ્યાઓમાંથી રાહત મળશે તેવી આશા છે. પ્રશાસન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયમોનું પાલન ન કરનારાઓ સામે દંડનીત્મક કાર્યવાહી સતત ચાલુ રહેશે. આ પગલાથી માત્ર પર્યાવરણીય સ્વચ્છતા જ નહીં પરંતુ ટ્રાફિક વ્યવસ્થાને સુધારવામાં પણ મદદ મળશે તેવી અપેક્ષા સ્થાનિક તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
