JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

દેશના કરોડો વોટ્સએપ યુઝર્સ પર સાયબર જોખમ, સરકારી એજન્સી CERT-In દ્વારા હાઈ-સિવિયરિટી એલર્ટ જાહેર

દેશના કરોડો વોટ્સએપ યુઝર્સ પર સાયબર જોખમ, સરકારી એજન્સી CERT-In દ્વારા હાઈ-સિવિયરિટી એલર્ટ જાહેર
કેન્દ્ર સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In દ્વારા વોટ્સએપના યુઝર્સ માટે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. એપમાં રહેલી ટેકનિકલ ખામીઓને કારણે એન્ડ્રોઈડ, આઈઓએસ અને ડેસ્કટોપ યુઝર્સનો ડેટા ચોરાઈ જવાનું મોટું જોખમ ઉભું થયું છે.

દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પર સાયબર જોખમળ તોળાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ હવે સરકારી સાયબર સુરક્ષા એજન્સી 'CERT-In' (ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) દ્વારા એક અત્યંત ગંભીર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જોખમ માત્ર સ્માર્ટફોન પૂરતું મર્યાદિત નથી, પરંતુ કમ્પ્યુટર અને લેપટોપમાં વોટ્સએપ વેબનો ઉપયોગ કરતા યુઝર્સ પણ તેની સીધી ઝપેટમાં આવી શકે છે. સરકારી એજન્સીએ આ ટેકનિકલ ખામીઓને 'હાઈ સિવિયરિટી' (ઉચ્ચ ગંભીરતા) કેટેગરીમાં મૂકી છે, જેનો અર્થ સ્પષ્ટ છે કે જો યુઝર્સ સમયસર સાવચેતી નહીં રાખે તો તેમણે મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

CERT-In દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, એન્ડ્રોઈડ, આઈઓએસ (એપલ), મેક અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા વોટ્સએપના કેટલાક જૂના વર્ઝનમાં ગંભીર ટેકનિકલ ક્ષતિઓ મળી આવી છે. આ ખામીઓમાં એટેચમેન્ટ સ્પૂફિંગ, એસક્યુએલ ઇન્જેક્શન અને સિક્યોરિટી સર્ટિફિકેટની ચકાસણી સાથે જોડાયેલી ખામીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત રિસ્પોન્સ મેસેજ અને બાહ્ય જાહેરાતોના યુઆરએલની પ્રક્રિયામાં પણ સુરક્ષા છીંડા જોવા મળ્યા છે. આ તમામ નબળાઈઓનો ફાયદો ઉઠાવીને સાયબર હેકર્સ યુઝર્સના ડિવાઇસમાં મનસ્વી કોડ ચલાવી શકે છે, એપની સુરક્ષા મર્યાદાઓને બાયપાસ કરી શકે છે અને યુઝર્સની અંગત માહિતીની ચોરી કરીને મોટી ગોપનીયતા ભંગની ઘટનાઓને અંજામ આપી શકે છે.

આ ગંભીર જોખમથી બચવા માટે CERT-In દ્વારા તમામ નાગરિકો અને સંસ્થાઓને તાત્કાલિક ધોરણે પોતપોતાના ડિવાઇસમાં WhatsAppનું લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવાની સલાહ આપવામાં આવી છે. એન્ડ્રોઈડ યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી જ્યારે આઈફોન યુઝર્સે એપ સ્ટોર પરથી પોતાની એપ અપડેટ કરી લેવી અનિવાર્ય છે. આ સાથે જ, કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતી શંકાસ્પદ લિંક્સ, અજાણ્યા ફાઇલો કે એટેચમેન્ટ્સ પર વેરિફાય કર્યા વગર ક્લિક ન કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. ડિવાઇસની સુરક્ષા અને પ્રાઈવસી અકબંધ રાખવા માટે હંમેશાં સત્તાવાર પ્લેટફોર્મ પરથી જ એપનું લેટેસ્ટ વર્ઝન વાપરવું હિતાવહ છે.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES