આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માનવ જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે અને લોકો પોતાના રોજિંદા કાર્યો સરળ બનાવવા માટે તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જો કે, આ ટેકનોલોજીના અતિશય અને અનિયંત્રિત પ્રભાવ વચ્ચે હવે ગંભીર જોખમો પણ સામે આવી રહ્યા છે. જાણીતા AI સેફ્ટી રિસર્ચર નિકોલા જુર્કોવિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક લાંબો ઓપન લેટર શેર કરીને દુનિયાનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોર્યું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરથી માનવીય નિયંત્રણ સતત નબળું પડી રહ્યું છે અને આગામી સમયમાં આ ટેકનોલોજી માનવજાત માટે અસ્તિત્વનું મોટું સંકટ બની શકે છે.
રિસર્ચરે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૭ સુધીમાં AI માનવ મગજ કરતા પણ વધુ સક્ષમ અને કાબેલ બની જશે, જેને 'સુપરહ્યુમન AI' તરીકે ઓળખવામાં આવશે. જો તેના વિકાસની આ અનિયંત્રિત ગતિને સમયસર રોકવામાં નહીં આવે, તો વર્ષ ૨૦૩૦ સુધીમાં માનવીઓ પોતાના જ હાથમાંથી સત્તા ગુમાવી બેસે અથવા માનવજાતનો અંત આવે તેવી ૫૦ ટકા જેટલી શક્યતા છે. આ ઉપરાંત, આગામી દસ વર્ષની અંદર વૈશ્વિક અર્થવ્યવસ્થા અને રોજગાર ક્ષેત્રે મોટો ભૂકંપ આવી શકે છે, જેના કારણે વર્તમાન નોકરીઓ નાશ પામશે અને મોટી વસ્તી બેરોજગારીના ખપ્તરમાં હોમાઈ જશે તેવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને નિકોલા જુર્કોવિકે સામાન્ય જનતાને અગાઉથી જ સાવચેત થઈ જવા અને કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. તેમણે લોકોને પોતાના પરિવાર માટે ઓછામાં ઓછું બેથી ત્રણ અઠવાડિયા ચાલે તેટલું રાશન અને રોકડ રકમ સુરક્ષિત રાખવા અપીલ કરી છે, કારણ કે ૨૦૨૭માં સર્જાનારી પરિસ્થિતિ કોવિડ-૧૯ મહામારી કરતાં પણ વધુ વિકરાળ સાબિત થઈ શકે છે. વૈશ્વિક સ્તરે AIના જોખમોને ડામવા માટે કડક નિયમો બનાવવાની તાતી જરૂરિયાત છે, જેથી ભવિષ્યમાં માનવ સભ્યતાને આ ટેકનોલોજીના ઘાતક પરિણામોથી બચાવી શકાય.
