ગુજરાત એન્ટી ટેરરિઝ્મ સ્ક્વોડ (ATS) દ્વારા રાજ્યમાં આતંકી હુમલાના એક અત્યંત ખતરનાક અને મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા સ્થિત ભારતીય વાયુસેનાના એરફોર્સ સ્ટેશનને ધ્વસ્ત કરવાના નાપાક ઈરાદા સાથે આવેલા કુખ્યાત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલા એક શખ્સની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પકડાયેલા આરોપીની ઓળખ આસામના કરીમગંજ જિલ્લાના મૂળ રહેવાસી મોહમ્મદ શેહરુલ ઈસ્લામ તરીકે થઈ છે. આ કાર્યવાહીથી સુરક્ષ એજન્સીઓમાં હલચલ મચી ગઈ છે અને રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ATSની અત્યાર સુધીની સઘન તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આરોપી છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનસ્થિત જૈશના હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતો. આસામથી ભોપાલ થઈને બસ દ્વારા વડોદરા પહોંચેલા આ શખ્સે વડોદરા એરફોર્સ સ્ટેશનના ગેટ પાસે જાતે જઈને રેકી કરી હતી અને તેના ફોટા તથા વીડિયો પણ શૂટ કર્યા હતા. પાકિસ્તાની હેન્ડલર દ્વારા તેને મોબાઈલ ખરીદવા માટે ઓનલાઈન પચાસ હજાર રૂપિયા મોકલવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આટલું જ નહીં, આરોપીએ દાહોદમાંથી અત્યાધુનિક AK-47 રાઈફલ મેળવી લીધી હતી અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વિવિધ વીડિયો જોઈને હથિયાર ચલાવવાની તાલીમ પણ લીધી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં રોકાયો હતો, પરંતુ પોલીસ ટીમ પહોંચે તે પહેલાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેની પળેપળની હિલચાલ પર નજર રાખીને આખરે દાહોદથી વડોદરા પરત ફરી રહેલા આતંકીને હાલોલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ ATS અને અન્ય કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આરોપીની કસ્ટડી મેળવીને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્થાનિક કે વિદેશી શખ્સોના નામ પણ બહાર આવી શકે.
