JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

વડોદરા એરફોર્સ સ્ટેશનને ઉડાવવાનું જેશ-એ-મોહમ્મદનું મોટું કાવતરું નિષ્ફળ, ATS દ્વારા ખતરનાક આતંકીની ધરપકડ

વડોદરા એરફોર્સ સ્ટેશનને ઉડાવવાનું જેશ-એ-મોહમ્મદનું મોટું કાવતરું નિષ્ફળ, ATS દ્વારા ખતરનાક આતંકીની ધરપકડ
ગુજરાત એટીએસે વડોદરાના એરફોર્સ સ્ટેશન પર એસૉલ્ટ રાઇફલથી હુમલો કરવાનું મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. આસામના એક શંકાસ્પદ જેશ-એ-મોહમ્મદના આતંકીને ઝડપી પાડી તેની પાસેથી હથિયારો અને વિવાદાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી શાખા (ATS) એ રાજ્યમાં મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવવામાં મોટી સફળતા મેળવી છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વડોદરા સ્થિત ભારતીય વાયુસેના (IAF) ના સ્ટેશનને નિશાન બનાવીને એક ભયાનક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આસામનો વતની અને જેશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ ઇસ્લામ કબીરુદ્દીન પોતાના નિયમિત મોબાઈલ ફોનને બંધ કરીને વડોદરા પહોંચ્યો હતો અને અહીં એક હોટલમાં રોકાયો હતો. એટીએસને અગાઉથી જ ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી કે અન્ય રાજ્યમાંથી એક શખ્સ અત્યાધુનિક હથિયાર સાથે ગુજરાતમાં પ્રવેશીને સુરક્ષા સંસ્થાન પર હુમલો કરવાની ફિરાતમાં છે.

ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશીના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી ઓપરેશનલ કાર્યવાહી દરમિયાન આતંકી પાસેથી અત્યાધુનિક એસૉલ્ટ રાઇફલ (એકે-47 જેવી), બે ખાલી મેગેઝિન, ૨૩ જીવતા કારતુસ, જેશ-એ-મોહમ્મદનો ધ્વજ, મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને રોકડ રકમ કબજે કરવામાં આવી છે. આ સમગ્ર કાવતરા પાછળ પાકિસ્તાનસ્થિત કે અન્ય જગ્યાના હેન્ડલર્સનો હાથ હોવાની શંકા છે, જેની પૂછપરછ ચાલી રહી છે. પકડાયેલા આરોપીના હેન્ડલરની ઓળખ મુફ્તી રફીક ઉર્ફે ઇબ્ન અબ્દુલ્લા તરીકે થઈ છે, જે જેશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. આ હેન્ડલરે ઓપરેશન પાર પાડવા માટે આરોપીને પચાસ હજાર રૂપિયા મોકલ્યા હતા, જેનો ઉપયોગ નવો ફોન ખરીદવા, મુસાફરીનો ખર્ચ, હોટલનું ભાડું અને હુમલા પછી નાસી છૂટવા માટે કરવાનો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આતંકી આ હુમલો અંજામ આપ્યા બાદ પાકિસ્તાન ભાગી જવાની યોજના ધરાવતો હતો, જ્યાં તેને જેશ-એ-મોહમ્મદ સંગઠનમાં જોડાઈને 'શહાદત' પ્રાપ્ત કરવાનો અંતિમ હેતુ હતો. આ ગંભીર મામલે ગુજરાત એટીએસ દ્વારા આરોપી વિરુદ્ધ યુએપીએ (UAPA) એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને યોગ્ય અદાલતમાં રજૂ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને દેશની સુરક્ષા એજન્સીઓ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય કડીઓની પણ સઘન તપાસ કરી રહી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES