JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

ચીનની રેસ્ટોરાં ચેઇનમાં મહિલા કર્મચારીઓ માટે મેકઅપ ફરજિયાત બનાવતા વિવાદ

ચીનની રેસ્ટોરાં ચેઇનમાં મહિલા કર્મચારીઓ માટે મેકઅપ ફરજિયાત બનાવતા વિવાદ
ચીનની જાણીતી રેસ્ટોરાં ચેઇન દ્વારા મહિલા કર્મચારીઓ માટે મેકઅપ ફરજિયાત કરવામાં આવતા સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળ્યો છે. પુરુષો માટે આવી કોઈ શરત ન હોવાથી આ નિયમને જાતીય ભેદભાવ તરીકે જોવામાં આવી રહ્યો છે.

ચીનની લોકપ્રિય હોટપોટ રેસ્ટોરાં ચેઇન 'ન્યૂ ન્યૂ સુકિયાકી' દ્વારા મહિલા કર્મચારીઓ માટે ડ્યુટી દરમિયાન મેકઅપ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ અજીબોગરીબ નિયમ માત્ર ગ્રાહકો સાથે સીધો સંપર્ક ધરાવતી મહિલાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રસોડામાં રસોઈ બનાવતી અને સફાઈ કામ સાથે સંકળાયેલી મહિલા કર્મચારીઓને પણ તેનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે. રેસ્ટોરાં મેનેજમેન્ટની આ નીતિ સામે મહિલા કર્મચારીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે કારણ કે પુરુષ કર્મચારીઓ માટે આવી કોઈ જ પાબંદી કે શરત રાખવામાં આવી નથી, જેના કારણે આ વિવાદે લિંગ ભેદભાવનું સ્વરૂપ ધારણ કર્યું છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ રેસ્ટોરાંમાં મહિલાઓ પાસેથી માત્ર સામાન્ય દેખાવની અપેક્ષા રખાતી નથી, પરંતુ આઇશેડો, આઇલાઇનર, નકલી પાંપણો અને યોગ્ય હેર સ્ટાઇલ જેવા જટિલ સૌંદર્ય પ્રસાધનોનો આગ્રહ રાખવામાં આવે છે. કંપની પૂર્ણ સમયની મહિલા કર્મીઓને મેકઅપ માટે દર મહિને ૧૦૦ યુઆન (આશરે ૧૨૦૦થી ૧૩૦૦ ભારતીય રૂપિયા)નું ભથ્થું આપે છે, પરંતુ મહિલાઓનું કહેવું છે કે આ આર્થિક સહાયથી નિયમની અયોગ્યતા છૂપાઈ જતી નથી. મેકઅપ કરવા અને ડ્યુટી પૂરી થયા બાદ તેને દૂર કરવામાં દૈનિક ધોરણે ઘણો મૂલ્યવાન સમય બરબાદ થાય છે. એક ભૂતપૂર્વ કર્મચારીએ તો ત્યાં સુધી જણાવ્યું કે મેકઅપ અને હેર સ્પ્રેના કડક નિયમોના કારણે ઘણી યુવતીઓને નોકરી મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગ્રાહકો અને સામાન્ય જનતા તરફથી પણ કંપનીની ભારે ટીકા થઈ રહી છે. ગ્રાહકોનું સ્પષ્ટપણે માનવું છે કે તેઓ રેસ્ટોરાંમાં સ્વાદિષ્ટ ભોજન અને સારી આતિથ્ય સેવાઓનો આનંદ માણવા માટે જાય છે, કર્મચારીઓના ચહેરા પરનો મેકઅપ જોવા માટે નહીં. અગાઉ પણ ચીનની 'બિગ પિઝા' અને 'હૈદિલાઓ' જેવી મોટી રેસ્ટોરાં ચેઇન મહિલા કર્મચારીઓના મેકઅપ સંબંધિત વિવાદાસ્પદ નિયમોને લઈને વિવાદમાં આવી ચૂકી છે. આ પ્રકારની કોર્પોરેટ નીતિઓ મહિલાઓની વ્યાવસાયિક સમાનતા અને સ્વતંત્રતા સામે ગંભીર સવાલો ખડા કરે છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES