JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

કોડીનારની સિંધાજ શાળામાં પોક્સો એક્ટ અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

કોડીનારની સિંધાજ શાળામાં પોક્સો એક્ટ અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સિંધાજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં કિશોરીઓને પોક્સો એક્ટ, બાળ અધિકારો તથા આરોગ્ય અને પોષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કોડીનાર તાલુકાની સિંધાજ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ એક વિશેષ જાગૃતિ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં કાયદાકીય જાગૃતિ લાવવાનો અને તેમના અધિકારોથી તેમને માહિતગાર કરવાનો હતો. સેમિનારમાં ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા દીકરીઓને પોક્સો એક્ટ-૨૦૧૨ની કાયદાકીય જોગવાઈઓ વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી, જેથી તેઓ કોઈપણ મુશ્કેલી કે અન્યાય સામે અવાજ ઉઠાવી શકે.

આ સેમિનાર દરમિયાન માત્ર કાયદાકીય બાબતો જ નહીં, પરંતુ કિશોરીઓના સર્વાંગી વિકાસને સ્પર્શતા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ સવિસ્તર ચર્ચા કરવામાં આવી હતી. દીકરીઓના ઉચ્ચ શિક્ષણ, સ્ત્રી-પુરુષ સમાનતા, નાની વયે થતા બાળલગ્નો અટકાવવા તેમજ કિશોરીઓના શારીરિક આરોગ્ય, પૌષ્ટિક આહાર અને અંગગત સ્વચ્છતા વિશે વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વક્તાઓએ દીકરીઓને આત્મનિર્ભર બનવા અને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરી હતી, જેણે વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો.

કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓને શિક્ષણ પ્રત્યે વધુ પ્રોત્સાહિત કરવાના હેતુથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત ઉત્સાહભેર સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જલ્યાણકારી યોજનાઓ અને મહિલા સુરક્ષા સંબંધી સેવાઓની માહિતી આપતી માર્ગદર્શિકા પત્રિકાઓ પણ વિતરિત કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર, કોડીનારના પ્રકાશભાઈ મકવાણા, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, શાળાના ઇન્ચાર્જ આચાર્ય પઢિયાર સહિતનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

શિક્ષણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES