ગિરનારની પવિત્ર ભૂમિ અને ભવનાથ તળેટીમાં આવેલા કિન્નર અખાડામાં ચાલી રહેલા ભજન સંધ્યાના એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અચાનક અરાજકતા ફેલાઈ ગઈ હતી. સાધુ શિવગીરી પોતાના ત્રણ સેવકો સાથે નગ્ન અવસ્થામાં અને હાથમાં ગદા ધારણ કરીને અખાડામાં બળજબરીપૂર્વક ઘૂસી આવ્યા હતા. કિન્નર અખાડાના મહામંડલેશ્વર સાધ્વી ગિરનારી ગીરીએ તેમને સન્માનપૂર્વક આસન આપ્યું હોવા છતાં, શિવગીરીએ અકળ કારણોસર ઉશ્કેરાઈને પોતાના જ હાથની ગદા સાધ્વીના માથામાં ફટકારી દીધી હતી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ હુમલા બાદ સ્થિતિ વધુ તંગ બની હતી જ્યારે વચ્ચે બચાવ કરવા આવેલા અન્ય સેવકોને પણ ધુણામાં પડેલા લાકડા વડે આડેધડ માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ જોડીમાં રાખેલા રૂપિયા ૧.૬૦ લાખથી વધુની રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને સેવકના હાથમાંથી ધાતુની વીંટી પણ બળજબરીથી કાઢી લીધી હતી. જતા-જતા આરોપીએ અખાડો અને અન્નક્ષેત્ર સંકેલી લેવાની ખુલ્લી ધમકી આપીને ભયનો માહોલ ઊભો કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે સાધ્વી દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ અને વહીવટી તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું.
પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તંત્ર દ્વારા આરોપી સાધુ સામે કડક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી. અગાઉ પણ જે જગ્યા પરથી શિવગીરીનું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું, ત્યાં ફરીથી તાડપત્રી અને કાચા-પાકા બાંધકામો ઊભા કરીને દબાણ ખડકી દેવામાં આવ્યું હતું. ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ જેસીબી મશીન સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદો તથા વ્યવસ્થાના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે શિવગીરી દ્વારા કરાયેલા તમામ ગેરકાયદેસર બાંધકામો જમીનોદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.
