ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા. ૩૦ નવેમ્બરથી ૯ ડિસેમ્બર દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની પરીક્ષાઓ યોજાવવા જઈ રહી છે. આ પરીક્ષાઓનું આયોજન સંપૂર્ણ પારદર્શક, નકલમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે હેતુથી નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પરીક્ષાના સુચારુ સંચાલન માટે સીસીટીવી કેમેરાની ચકાસણી, પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત, વીજ પુરવઠો અને આરોગ્યલક્ષી સારવાર જેવી તમામ પાયાની બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરિચાએ પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને યોગ્ય તાલીમ પૂરી પાડવા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે વિશેષ આયોજન કર્યું છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલરૂમ (૦૨૮૭૬-૨૨૧૦૯૫) પણ કાર્યરત કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ મુશ્કેલીના સમયે ત્વરિત સહાયતા મળી રહે. આ ઉપરાંત, પરીક્ષાર્થીઓ પરીક્ષાના તણાવ કે ડરથી મુક્ત રહીને આત્મવિશ્વાસપૂર્વક પેપર આપી શકે તે માટે તા. ૨૮ નવેમ્બરથી ૯ ડિસેમ્બર દરમિયાન વિશેષ હેલ્પલાઇન પણ શરુ કરવામાં આવી છે, જેમાં સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યા સુધી પ્રોફેસર અર્જુન ચોચા અને બપોરે ૪ થી સાંજે ૬ વાગ્યા સુધી સામાજિક કાર્યકર ભગવાનભાઈ સોલંકી વિદ્યાર્થીઓને માનસિક માર્ગદર્શન પૂરું પાડશે.
આ પરીક્ષા અંતર્ગત કુલ ૩૧ બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં મણિબહેન કોટક હાઈસ્કૂલ, શબાના ગર્લ્સ હાઈસ્કૂલ, કે.કે. મોરી માધ્યમિક શાળા, આઈ.ડી. ચૌહાણ હાઈસ્કૂલ અને દીવની ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલનો સમાવેશ થાય છે. આ કેન્દ્રો પર ધોરણ ૧૦ ના ૮૧૪ અને ધોરણ ૧૨ ના ૮૭ મળીને કુલ ૯૦૧ જેટલા વિદ્યાર્થીઓ નિર્ભય બનીને પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. વહીવટી તંત્રની સચોટ આગોતરી તૈયારીઓ અને સહાયતા વ્યવસ્થાઓને કારણે જિલ્લાના ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.
