અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા લેબેક પાર્ક સોસાયટીના બંગલાના ભોંયરામાંથી પકડાયેલી એમડી (MD) ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની તપાસે એક અત્યંત ચોંકાવનારો વળાંક લીધો છે. તપાસ દરમિયાન અમરાઈવાડીમાં રહેતા અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)માંથી કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરી રહેલા હર્ષિલ પરીખની મુખ્ય સંડોવણી બહાર આવી છે. આ ગ્લોબલ રેકેટમાં ઉચ્ચ શિક્ષણ મેળવતો યુવાન સંડોવાયેલો હોવાથી સુરક્ષા એજન્સીઓ પણ હચમચી ગઈ છે અને આ મામલે સઘન પૂછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હર્ષિલ પરીખની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મુખ્ય આરોપી મુદસર પઠાણે તેને નાણાકીય મદદ કરી હતી. આ ઉપકારના બદલામાં અને પોતાના વિષયની ઊંડી જાણકારીના જોરે હર્ષિલે પ્રતિબંધિત કેમિકલની ગેરકાયદેસર ખરીદી કરીને ડ્રગ્સ માફિયાઓને પહોંચાડવાનું શરૂ કર્યું હતું. NCBએ હર્ષિલની ધરપકડ કરવાની સાથે પ્રતાપગઢના અખ્તર અને જુનેદ નામના અન્ય આરોપીઓને પણ ઝડપી લીધા છે, જે આ ગેરકાયદેસર નેટવર્કની ઊંડાણપૂર્વક પોલ ખોલી રહ્યા છે.
આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NCBએ તપાસનો વ્યાપ ખૂબ જ મોટો કરી દીધો છે અને એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ આવતા કેમિકલ બનાવતી કંપનીઓના વપરાશના ડેટાનું ક્રોસ વેરિફિકેશન શરૂ કર્યું છે. ગુજરાતના હાઈવે ઉપર પ્રતિબંધિત રસાયણોની ચોરી અને હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય તત્વોનો ડેટા પણ તૈયાર કરાયો છે. હર્ષિલ આ કેમિકલ્સ ક્યાંથી લાવતો હતો, અત્યાર સુધી કેટલી વાર ખરીદી કરી અને ગુજરાત ઉપરાંત અન્ય કયા રાજ્યોમાં આ સપ્લાય પહોંચાડવામાં આવ્યો છે તે દિશામાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.
