દેશના સંરક્ષણ દળોમાં જોડાઈને દેશસેવા કરવા અને ઉજ્જવળ કારકિર્દી ઘડવા ઈચ્છતા ગીર સોમનાથ જિલ્લાના યુવાઓ માટે એક ઉત્તમ તક સામે આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત મંજૂર કરવામાં આવેલી સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ યોજના હેઠળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિશેષ નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ દ્વારા યુવાનોને સૈન્યમાં ભરતી માટે જરૂરી માર્ગદર્શન અને સજ્જતા પૂરી પાડવામાં આવશે, જેથી સ્થાનિક યુવાનો વધુમાં વધુ સંખ્યામાં સંરક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે.
આ તાલીમ વર્ગના સુચારુ આયોજન અને યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક ખાસ પ્રી-સ્ક્રુટિની એટલે કે પૂર્વ ચકાસણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ અગાઉ આ તાલીમ માટે અરજી કરી છે તેમજ જેઓ અગાઉ ફોર્મ નથી ભરી શક્યા પરંતુ જરૂરી શૈક્ષણિક અને શારીરિક લાયકાત ધરાવે છે, તેઓ પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ ચકાસણી આગામી તા. ૦૧/૧૨/૨૦૨૬ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રાચી સ્થિત કે.કે. મોરી હાઈસ્કૂલ ખાતે યોજાવાની છે.
આ પૂર્વ ચકાસણીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજોની માત્ર ઝેરોક્ષ નકલો સાથે રાખવાની રહેશે. ઉપરાંત, શારીરિક ચકાસણીને ધ્યાનમાં રાખીને તમામ ઉમેદવારોએ હળવા વસ્ત્રો અને પી.ટી. શૂઝ પહેરીને સ્વખર્ચે સમયસર ઉપસ્થિત રહેવાનું રહેશે. આ અંગેની વધુ માહિતી અથવા માર્ગદર્શન મેળવવા માટે સંબંધિત યુવાનો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથના અધિકૃત ફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૦૪૧ પર સંપર્ક કરી શકે છે.
