જૂનાગઢ રેન્જ પોલીસ ટીમ દ્વારા ગુનાખોરી ડામવા માટે ચલાવવામાં આવી રહેલી સઘન ડ્રાઇવ દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બગસરા તરફથી બિલખા તરફ જઈ રહેલા એક શંકાસ્પદ ટાટા ટોરસ ટ્રકને અટકાવીને તલાશી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં કુશળતાપૂર્વક છૂપાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની ગણતરી કરતા કુલ ૭,૬૫૯ બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો.
બૂટલેગરો દ્વારા પોલીસની નજરથી બચવા માટે અતિ આધુનિક કિમિયો અપનાવવામાં આવ્યો હતો. ટ્રકના તળિયામાં લોખંડ અને લાકડાની મજબૂત પ્લેટો ફિટ કરીને એક અત્યંત ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનાની અંદર વિદેશી દારૂની લાખો રૂપિયાની કિંમતની બોટલો ખૂંપી દેવામાં આવી હતી કે સામાન્ય નજરે તે જોઈ શકાય નહીં. આ ચોરખાનામાંથી દારૂનો આખો જથ્થો બહાર કાઢવા માટે પોલીસને અંતે કટર મશીનનો સહારો લેવો પડ્યો હતો, જે બૂટલેગરોની ચાલાકીની સાક્ષી પૂરે છે.
આ સફળ રેડ દરમિયાન પોલીસે વિદેશી દારૂની બોટલો, ટાટા ટોરસ ટ્રક અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨૨,૫૪,૧૮૨ નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોખાણા ગામના રહેવાસી આલાભાઈ મેપાભાઈ સાવધારીયાની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય એક શખ્સ દેવાભાઈ નારણભાઈ સાવધારીયા તથા વાપી ટોલનાકા પાસે દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પણ કડક ગુનો નોંધીને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
