JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

કોડીનારના અરણેજ કેજીબીવીમાં વોર્ડનની બદલીનો વિવાદ: વાલીઓએ દીકરીઓને શાળાએ મોકલવાનો કર્યો ઇનકાર

કોડીનારના અરણેજ કેજીબીવીમાં વોર્ડનની બદલીનો વિવાદ: વાલીઓએ દીકરીઓને શાળાએ મોકલવાનો કર્યો ઇનકાર
કોડીનાર તાલુકાના અરણેજ ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વોર્ડનની બદલી મુદ્દે ઉભો થયેલો વિવાદ વકર્યો છે. વેકેશન પૂરું થવા છતાં વાલીઓએ પૂર્વ વોર્ડનને પરત લાવવાની માંગ સાથે દીકરીઓને શાળામાં હાજર રાખવાનો ઇનકાર કરી દીધો છે.

કોડીનાર તાલુકાના અરણેજ ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) ખાતે દિવાળી વેકેશન બાદ શાળા ખૂલતાં જ ભારે હંગામો જોવા મળ્યો હતો. વેકેશન દરમિયાન તંત્ર દ્વારા અગાઉના વોર્ડન રંજનબેન પરમારની બદલી કરીને તેમની જગ્યાએ ગીતાબેનને જવાબદારી સોંપવામાં આવી હતી. આ આંતરિક બદલીનો વિરોધ કરીને ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનાં વાલીઓએ અગાઉ પણ લેખિત અને ટેલિફોનિક રજૂઆતો કરી હતી. પરંતુ, તંત્ર દ્વારા કોઈ સંતોષકારક નિર્ણય ન લેવાતા આક્રમક બનેલા વાલીઓએ પોતાની દીકરીઓને હોસ્ટેલમાં મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને દીકરીઓને લઈને શાળાના પટાંગણમાં જ બેસી રહ્યા હતા.

વાલીઓનું એમવું હતું કે હાલના નવા વોર્ડન અગાઉ પણ આ જ શાળામાં ફરજ બજાવી ચૂક્યા છે અને તે સમયના તેમના વર્તનને લઈને વિદ્યાર્થીનીઓમાં ભારે અસંતોષ તથા ડરનો માહોલ છે, જેથી દીકરીઓ તેમની સાથે રહેવા તૈયાર નથી. વાલીઓની માંગ હતી કે કાં તો જૂના વોર્ડન રંજનબેનને યથાવત્ રાખવામાં આવે અથવા અન્ય નવા વોર્ડનની નિમણૂક કરવામાં આવે. બપોર સુધી તંત્ર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ કે નિર્ણય નહીં મળતાં વાલીઓ નાછૂટકે પોતાની દીકરીઓને પરત ઘરે લઈ જવા મજબૂર બન્યા હતા, જેના કારણે વેકેશન બાદ પણ શાળામાં વિદ્યાર્થીઓની હાજરી સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.

આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એચ. પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગાંધીનગરની મંજૂરી મેળવીને જ આ આંતરિક બદલીઓ કરવામાં આવી છે અને હાલના નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે કોઈ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે વાલીઓને ગેરમાર્ગે દોરી રહી છે. તંત્રએ ચેતવણી આપી છે કે જો વાલીઓ લાંબા સમય સુધી દીકરીઓને અભ્યાસ માટે નહીં મોકલે, તો નિયમોનુસાર વેઇટિંગ લિસ્ટમાં રહેલી અન્ય ઇચ્છુક દીકરીઓને પ્રવેશ આપવામાં આવશે. આમ, શિક્ષણ વિભાગ અને વાલીઓની મથામણ વચ્ચે ચાલી રહેલા આ રસાકસીભર્યા માહોલને કારણે માસૂમ વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય અનિશ્ચિતતાના ઘેરા સાયાયમાં મુકાઈ ગયું છે.

શિક્ષણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES