સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ પછીનું પેન્શન એ સૌથી મોટો આર્થિક સહારો હોય છે, ત્યારે પેન્શનની સાચી ગણતરી અને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા તાજેતરમાં તમામ મંત્રાલયો અને વિભાગોને એક નવું ઓફિસ મેમોરેન્ડમ જારી કરવામાં આવ્યું છે. આ નવા નિર્દેશો સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (પેન્શન) રૂલ્સ, 2021 હેઠળ આવતા તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને લાગુ પડશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવાનો છે.
આ નવા નિર્દેશો અનુસાર, જો કોઈ કર્મચારીના પેન્શનના દસ્તાવેજો અગાઉથી જ જમા થઈ ગયા હોય અને ત્યારબાદ એવી કોઈ નવી માહિતી કે સરકારી લેણાં સામે આવે જેની સીધી અસર પેન્શનની રકમ પર પડી શકે તેમ હોય, તો તેની ત્વરિત નોંધ લેવી પડશે. સામાન્ય રીતે પેન્શનની રકમ કર્મચારીની સેવા અને અન્ય રેકોર્ડ્સના આધારે નક્કી થતી હોય છે, પરંતુ જો દસ્તાવેજો મોકલ્યા પછી કોઈ અગત્યની વિગત છૂટી જાય અને તે સંબંધિત અધિકારી સુધી ન પહોંચે, તો પેન્શનની ગણતરીમાં મોટી ગરબડ થઈ શકે છે. આ બાબતને નિવારવા માટે જ સરકારે આ ખાસ આદેશ જારી કર્યો છે જેથી ખાતાકીય અધિકારીઓ પાસે કર્મચારીનો સંપૂર્ણ અને અધ્ધતન રેકોર્ડ હંમેશા ઉપલબ્ધ રહે.
સેન્ટ્રલ સિવિલ સર્વિસિન (પેન્શન) નિયમ, 2021ના નિયમ 61 હેઠળ હેડ ઓફ ઓફિસની આ સીધી જવાબદારી રહેશે કે તે દસ્તાવેજો મોકલ્યા પછી પણ સામે આવતી દરેક આવશ્યક માહિતી એકાઉન્ટ્સ ઓફિસર સુધી પહોંચાડે. જોકે, રાહતની વાત એ છે કે આ નવા નિર્દેશો હેઠળ પેન્શનધારકોએ જાતે કોઈ પણ પ્રકારનું નવું ફોર્મ ભરવાનું કે વધારાની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે નહીં. પેન્શનર્સ માટે કોઈ વધારાની ઝંઝટ ઊભી કર્યા વગર માત્ર વિભાગીય સ્તરે જ આ જવાબદારી નિભાવવાની રહેશે, જેની સ્પષ્ટ સૂચનાઓ તમામ સંબંધિત કાર્યાલયો અને અધિકારીઓને આપી દેવામાં આવી છે.
