પાકિસ્તાનના પ્રવાસે પહોંચેલા બાંગ્લાદેશની સંસદના સ્પીકર હાફિઝ ઉદ્દીન અહમદે ઇસ્લામાબાદ ખાતે ભારત વિરુદ્ધ અત્યંત વિવાદાસ્પદ નિવેદનો આપીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. પાકિસ્તાની સેનાના પૂર્વ કેપ્ટન રહી ચૂકેલા અહમદે ૧૯૭૧ના મુક્તિ યુદ્ધના ઈતિહાસ પર સવાલો ઉઠાવતા દાવો કર્યો હતો કે તે સમયે ભારતે બંગાળીઓની મદદ કરવાને બદલે માત્ર પાકિસ્તાનને નબળું પાડવાનું જ કામ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે શેખ હસીનાના પંદર વર્ષના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ ભારતનું 'સંસ્થાન' બની ગયું હોવાનો બેફામ આરોપ પણ લગાવ્યો હતો, જેના કારણે દેશની જનતાને ભારે હાલાકી ભોગવવી પડી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ અને ભવિષ્ય અંગે વાત કરતા અહમદે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો હસીના બાંગ્લાદેશ પરત ફરશે તો તેમને સીધા જ જેલમાં ધકેલી દેવામાં આવશે. આગામી ઓછામાં ઓછા દસ વર્ષ સુધી તેમના પરત ફરવાની કોઈ શક્યતા ન હોવાનો દાવો કરતા તેમણે એમ પણ કહ્યું કે જો ભારત તેમને પાછા નહીં સોંપે તો બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ) ના દરવાજા ખખડાવશે. આ ઉપરાંત, તેમણે શેખ હસીનાની પાર્ટી અવામી લીગને 'આતંકવાદી પાર્ટી' ગણાવીને દેશમાં સરમુખત્યારશાહી સામે લોકોએ અવાજ ઉઠાવ્યાનું જણાવ્યું હતું, જ્યારે કાશ્મીર મુદ્દે પણ પાકિસ્તાનના વલણનું ખુલ્લું સમર્થન કર્યું હતું.
બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સંસદીય વ્યવસ્થાની ચર્ચા કરતા અહમદે દેશમાં લાંબી અસ્થિરતા અને લોકશાહીના અભાવ અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો, સાથે જ ફેબ્રુઆરી ૨૦૨૬ની સામાન્ય ચૂંટણીઓને સ્વતંત્ર અને નિષ્પક્ષ ગણાવી હતી. ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની કારોબારી સમિતિમાં બાંગ્લાદેશી ઉમેદવારને સમર્થન આપવા બદલ તેમણે પાકિસ્તાનની પ્રશંસા કરી હતી અને આગામી સમયમાં ઢાકા તથા ઇસ્લામાબાદ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરી હતી. તેમના આ નિવેદનોથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય સમીકરણોમાં નવાં પડઘાં પડી રહ્યા છે.
