વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, જાન્યુઆરી ૨૦૨૬થી અત્યાર સુધીમાં અંદાજે ૧,૭૦૦ ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરીને વતન પરત મોકલવામાં આવ્યા છે. જ્યારે ગત વર્ષ ૨૦૨૫માં આ આંકડો ૩,૩૦૦ જેટલો નોંધાયો હતો. આ તમામ નાગરિકોની ભારતીય નાગરિકતાની ચકાસણી પૂર્ણ કર્યા બાદ જ તેમને સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટ્રમ્પ પ્રશાસન દ્વારા મોટા પાયે શરૂ કરવામાં આવેલા 'માસ ડિપોર્ટેશન' અભિયાનની સરખામણીએ વર્તમાન વર્ષમાં સત્તાવાર રીતે પરત મોકલવામાં આવેલા ભારતીયોની સંખ્યામાં લગભગ ૪૮ ટકાનો મોટો ઘટાડો થયો હોવાનું સ્પષ્ટ થાય છે.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટતા કરી છે કે ભારત સરકાર આ ગંભીર મુદ્દે વોશિંગ્ટન સાથે સતત અને સઘન સંપર્કમાં છે, જે દર્શાવે છે કે અમેરિકામાંથી ભારતીયોને પરત મોકલવાનો સિલસિલો આગામી સમયમાં પણ યથાવત રહેશે. જોકે, નિષ્ણાતોના મતે સત્તાવાર રીતે ઘટેલા આ આંકડાઓનો અર્થ એવો નથી કે અમેરિકા છોડીને ભારત આવનારાઓની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી ડેટામાં માત્ર એ જ લોકોનો સમાવેશ થાય છે જેમની યુએસ 'આઈસીઈ' (ICE) દ્વારા ધરપકડ કરવામાં આવી હોય અને કાયદેસરની પ્રક્રિયા બાદ સરકાર દ્વારા ફરજિયાત ડિપોર્ટેશન ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યા હોય.
વાસ્તવિક સ્થિતિ એ છે કે મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકી જેલોની લાંબી સજાથી બચવા માટે સ્વેચ્છાએ પોતાના ખર્ચે પરત ફરી રહ્યા છે, જેને 'સેલ્ફ-ડિપોર્ટેશન' કહેવામાં આવે છે. આ ઉપરાંત, ફાઇનલ રિમૂવલ ઓર્ડર મળ્યા બાદ સ્વેચ્છાએ એર ટિકિટ કરીને પરત ફરતા લોકો તેમજ અમેરિકી એજન્સીઓની નજરે ચડ્યા વિના પોતાની મેળે જ સ્વદેશ રવાના થઈ જતા પ્રવાસીઓની સંખ્યા પણ ઘણી મોટી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા, સરકારી ચોપડે નોંધાયેલા ૧,૭૦૦ના આંકડા કરતાં વાસ્તવિક રીતે અમેરિકાથી પરત ફરનારા નાગરિકોનો આંકડો ઘણો મોટો અને ચિંતાજનક હોવાનું મનાઈ રહ્યું છે.
