નાગરિકોમાં બંધારણીય મૂલ્યો અને તેના સાચા પાલન અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉત્કૃષ્ટ હેતુથી ગાંધીનગરના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને વેરાવળની સરકારી વકીલ કચેરીના સંયુક્ત ઉપક્રમે ક્રિસ્ટલ સ્કૂલ ખાતે 'બંધારણ દિવસ'ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢી અને સમાજના પ્રત્યેક વર્ગ સુધી ભારતીય બંધારણની સાચી સમજ પહોંચાડવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંવિધાન દિવસની શુભકામના પાઠવતા દેશના લોકતાંત્રિક માળખાને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આપણું ભારતીય બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિષદ અને લેખિત બંધારણ છે. ન્યાયતંત્ર, સંસદ, કારોબારી અને પ્રેસ જેવા લોકશાહીના ચાર સ્તંભો એકબીજાના પૂરક બનીને દેશની પ્રગતિમાં યોગદાન આપે છે અને દેશના છેવાડાના માનવી સુધી ન્યાય પહોંચાડી વિકાસની ધારામાં જોડે છે. ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ પણ યુવાનોમાં કાયદાકીય જાગૃતિ લાવવા માટે આવાશ્યક પ્રયાસો સતત ચાલુ રાખવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. આ અવસરે એડવોકેટ બશીરભાઈ સુમરા અને રાજુભાઈ રામનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીના ભાગરૂપે એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિરાગ કક્કડ, ડિમ્પલબેન વ્યાસ, સ્મિતાબહેન પટેલ, નિશા હેમનાણી અને જાદવ વાળા જેવા તજજ્ઞ વકીલોએ બંધારણના મુખ્ય હેતુઓ, નાગરિકોના મૂળભૂત અધિકારો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ નરેન્દ્રભાઈ પંડ્યા સહિત અનેક ગણમાન્ય વક્તિઓ, કાનૂનવિદો અને કાયદા શાખાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા.
