અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા માંડલ તાલુકાના ટ્રેન્ટ નગરમાં હાલ આધ્યાત્મિક અને ઉત્સવનું વાતાવરણ છવાયું છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દિવ્ય આશીર્વાદથી નિર્મિત આ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવની પૂર્વ સંધ્યાએ એટલે કે ૨૫મી તારીખે નૂતન મંદિરના દ્વાર ઉદ્ઘાટનની વિધિ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. યજમાનોના વરદ્ હસ્તે મંદિરના દિવ્ય દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા બાદ સાંજના સમયે મહિલા ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માતાઓ અને બહેનોએ ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો.
આ મહામહોત્સવના મુખ્ય ચરણરૂપે ગુરૂવારે વહેલી સવારે મંગળા આરતી સાથે ધાર્મિક અનુષ્ઠાનોનો સત્તાવાર આરંભ થયો હતો. આ પ્રસંગે લંડનથી આવેલી પ્રખ્યાત 'શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ'ની મધુર સુરાવલિઓ અને ભક્તિગીતોના નાદ સાથે વાજતેગાજતે એક ભવ્ય શોભાયાત્રા જેવું વાતાવરણ સર્જાયું હતું. સંતો, મહંતો, દાતાઓ તથા દેશ અને વિદેશના ખૂણે-ખૂણેથી પધારેલા હરિભક્તોએ જયઘોષ સાથે ઉત્સાહભેર વિશાળ સભામંડપમાં પ્રવેશ કર્યો હતો. આ મહોત્સવના ભાગરૂપે સત્સંગ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ પરથી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ભક્તજનોને દિવ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે.
આ ભવ્ય ધાર્મિક આયોજનમાં સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં ટ્રેન્ટના સરપંચ ગણપતભાઈ પટેલ, ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા, એપીએમસી ચેરમેન અમુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. ધાર્મિક અનુષ્ઠાનોની સાથે-સાથે સામાજિક સેવાના કાર્યો પણ સમાંતરે ચાલી રહ્યા છે, જેમાં ડૉ. પંકજભાઈ પટેલ પ્રેરિત ફુલ્કી જનસેવા હોસ્પિટલ અને સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંસ્થાના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં નગરયાત્રા અને શનિવારે વિધિવત મૂર્તિપ્રતિષ્ઠા સંપન્ન થવાની હોવાથી હરિભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
