પશ્ચિમ બંગાળના દીધા ખાતે સરકારી નાણાંથી નિર્મિત ભગવાન જગન્નાથ મંદિર અને સાંસ્કૃતિક પરિસરમાંથી હવે 'ધામ' પ્રતિક કે નામ હટાવી દેવામાં આવશે. આ મંદિરનું નિર્માણ અને ઉદ્ઘાટન ગત વર્ષે એપ્રિલમાં કરવામાં આવ્યું હતું, પરંતુ તેના નામકરણને લઈને શરૂઆતથી જ વિવાદો ચાલી રહ્યા હતા. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી દ્વારા આ અંગે ઔપચારિક વિનંતી કરવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળ સરકારે આ સકારાત્મક પગલું ભર્યું છે. લોકસભા સાંસદ સંબિત પાત્રાએ ઓડિશાના મુખ્યમંત્રીના દૂત તરીકે આ વિનંતી પત્ર પહોંચાડ્યો હતો, જેને બંગાળ સરકારે સ્વીકારીને તાત્કાલિક ધોરણે નામ બદલવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ ફેરફાર બાદ હવે આ સમગ્ર સંકુલને 'શ્રી શ્રી જગન્નાથ કલ્ચરલ સેન્ટર' અને મુખ્ય મંદિરને 'શ્રી શ્રી જગન્નાથ દેવ મન્દિર' તરીકે ઓળખવામાં આવશે. અહીં સ્થાપિત ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓની પૂજા-અર્ચના હવે સંપૂર્ણપણે નિર્ધારિત સનાતની નિયમો અને શાસ્ત્રોક્ત વિધિઓ અનુસાર જ કરવામાં આવશે. અગાઉની સરકાર દ્વારા બનાવવામાં આવેલા કેબિનેટ પ્રસ્તાવ અને ટેન્ડર નોટિસમાં આ પ્રોજેક્ટને માત્ર 'સાંસ્કૃતિક કેન્દ્ર' તરીકે જ દર્શાવવામાં આવ્યો હતો, અને 'ધામ' શબ્દ પાછળથી ઉમેરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. સનાતન ધર્મની પરંપરા મુજબ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર ધામ જ પવિત્ર તીર્થક્ષેત્રો છે, અને તે સિવાય અન્યત્ર 'ધામ' શબ્દનો ઉપયોગ કરવા સામે સનાતનીઓમાં નારાજગી હતી.
આ નિર્ણયને કારણે પડોશી રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળ વચ્ચે સાંસ્કૃતિક સૌહાર્દ અને ભાઈચારો વધુ મજબૂત બનશે તેમજ ઓડિયા અસ્મિતાનું પણ જતન થશે. ઓડિશાના મુખ્યમંત્રી અને કાયદા મંત્રીએ પશ્ચિમ બંગાળ સરકારના આ ત્વરિત અને પરંપરાપ્રેમી નિર્ણયની મુક્તકંઠે પ્રશંસા કરી છે. બીજી તરફ, પૂર્વ મેદિનીપુર જિલ્લાના દીધાના દરિયાકાંઠે ૨૦ એકરમાં ફેલાયેલા આ ભવ્ય મંદિર સંકુલની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી છે અને પહેલા જ વર્ષમાં કરોડો શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાભ લીધો છે. હવે નવા નામકરણ અને શાસ્ત્રોક્ત વિધિઓ સાથે આ સ્થળ દેશભરના ભક્તો માટે એક અગ્રણી આધ્યાત્મિક કેન્દ્ર બની રહેશે.
