JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

ડભોઇમાં પરંપરાગત ઉત્સાહ સાથે નીકળ્યો ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડો, તુલસીવાડી ખાતે થયા લગ્ન

ડભોઇમાં પરંપરાગત ઉત્સાહ સાથે નીકળ્યો ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડો, તુલસીવાડી ખાતે થયા લગ્ન
ડભોઇના ઐતિહાસિક લાલબજાર ખાતેથી વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડો સાજનમાજન સાથે નીકળ્યો હતો. ડીજેની ધૂન, આતશબાજી અને જયઘોષ વચ્ચે નગરના મુખ્યમાર્ગો પરથી પસાર થયેલ આ વરઘોડો તુલસીવાડી પહોંચી સંપન્ન થયો હતો.

ડભોઇ નગરની મધ્યમાં આવેલા વર્ષો જૂના લાલબજાર સ્થિત નરસિંહજી ભગવાનના મંદિરેથી પરંપરાગત ઉત્સાહ સાથે ભગવાન નરસિંહજીની પાલખી યાત્રાનો પ્રારંભ થયો હતો. ભગવાનને સુંદર પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેને પોતાના આરે ઉંચકવા માટે ભક્તોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ડીજે પર વાગતી ભક્તિમય ધૂનો, આકાશને ગુંજવતો નરહરિલાલનો જયઘોષ અને આકર્ષક આતશબાજી વચ્ચે નગરના મુખ્યમાર્ગો પરથી પસાર થયેલા આ વરઘોડાએ આખા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ દિવ્ય અવસર પર દર્શનનો લ્હાવો લેવા માટે ડભોઇના માર્ગો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા.

વરઘોડો જ્યારે લાલબજાર ટાવર વિસ્તારમાં પહોંચ્યો ત્યારે ભક્તજનો ઉત્સાહમાં આવીને રાસ અને ગરબાની રમઝટ બોલાવી હતી. રાજુ શાહ, ભરત શેઠ અને ઉંચાટીંબાના તમામ કાર્યકરોના સક્રિય સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું હતું. વાજતેગાજતે આગળ વધેલો આ વરઘોડો હીરા ભાગોળ બહાર આવેલી તુલસીવાડી ખાતે પહોંચ્યો હતો, જ્યાં પરંપરાગત વિધિ અનુસાર ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. વરઘોડો નીકળતા પહેલા મંદિર બહાર પણ આરતી કરાઈ હતી, જેનો અનેક ભક્તોએ અમૂલ્ય લાભ લીધો હતો.

તુલસીવાડી ખાતે પહોંચ્યા બાદ ભગવાન નરસિંહજીને તુલસીજી સાથે બિરાજમાન કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. આ માંગલિક પ્રસંગે સમગ્ર વાતાવરણ વેદોના મંત્રો અને ભક્તિ ગીતોથી ગુંજી ઉઠ્યું હતું, અને ભક્ત સમુદાયની ઉપસ્થિતિમાં ભગવાનના લગ્ન વિધિવત સંપન્ન થયા હતા. ઉલ્લેખનીય છે કે દેવદિવાળીના આગલા દિવસે ઉંચાટીંબાના યુવકો દ્વારા વિશેષ ભક્તિ સંગીતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે આ સમગ્ર ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં અનેકગણો વધારો કર્યો હતો.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES