દેશમાં વધી રહેલા પબ્લિક હેલ્થ ક્રાઈસિસને ગંભીરતાથી લેતા સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ કંપનીઓ અને ફૂડ રેગ્યુલેટર FSSAI માટે મહત્ત્વનો અને કડક આદેશ જારી કર્યો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનેશ ચંદ્રનની બેન્ચે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ને ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે ગ્રાહકોના સ્વાસ્થ્ય રક્ષણ માટે રેગ્યુલેટરે પોતાની ફરજ નિભાવવામાં ભારે અનિચ્છા દાખવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાનિકારક તત્વો ધરાવતા ખાદ્ય પદાર્થોથી ગ્રાહકોને માહિતગાર કરવા માટે ફ્રન્ટ-ઓફ-પેકેજ લેબલિંગ ખૂબ જ આવશ્યક છે અને અદાલત આ મામલે મૂક દર્શક બની રહી શકે નહીં.
કોર્ટના આદેશ અનુસાર, FSSAI એ આગામી ચાર મહિનાની અંદર કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને નવા નિયમો ઘડી નાખવાના રહેશે, જ્યારે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (કંપનીઓ)ને આ નિયમોનું પાલન કરવા માટે નોટિફિકેશનની તારીખથી એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે. આ એક વર્ષના સમયગાળાને 'સ્વેચ્છાએ અમલીકરણ' તબક્કો ગણવામાં આવશે. દરેક વિલંબથી ગ્રાહકોના સ્વાસ્થ્ય, ખોરાક અને જાણકારી મેળવવાના અધિકારનું હનન થાય છે તેમ જણાવી અદાલતે FSSAI ને અગાઉથી જ તમામ સંભવિત અવરોધો દૂર કરવા સક્રિય પગલાં લેવા તાકીદ કરી છે.
આ નવા નિયમ હેઠળ પેકેજ્ડ ફૂડ પર વધુ પડતી ખાંડ, સેચ્યુરેટેડ ફેટ અને મીઠાના પ્રમાણને દર્શાવવા માટે અલગ અલગ લાલ રંગના ષટકોણ (Hexagon) આકારના લેબલ લગાવવા પડશે. કોર્ટે FSSAI ની આ દલીલ ફગાવી દીધી છે કે તમામ તત્વો માટે માત્ર એક જ ષટકોણ રાખવો જોઈએ, અને આગ્રહ કર્યો છે કે દરેક ચિંતાજનક પોષક તત્વ માટે અલગ ષટકોણ હોવો અનિવાર્ય છે. લેબલના ફોન્ટ સ્પષ્ટ અને વાંચી શકાય તેવા હોવા જોઈએ જેથી ગ્રાહકો બજારમાં ઉપલબ્ધ ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસીને સભાનતાપૂર્વક ખરીદીનો નિર્ણય કરી શકે.
