ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાને માત્ર પ્રાણી નહીં પરંતુ આસ્થા અને પૂજ્યભાવનું પ્રતિક માનવામાં આવે છે. આ જ સનાતન મૂલ્યોને જીવંત રાખવા માટે હાલોલ દ્વારકાધીશ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. હાલોલ-ગોધરા રોડ બાયપાસ ખાતે મંદિર સંચાલિત નવીન સુરભી ગૌશાળાના નવનિર્માણ કાર્યનો શુભારંભ કરવા માટે ભવ્ય વાસ્તુપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તૃતીયગૃહ પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ગોસ્વામી 108 ડૉ. વાગેશકુમાર મહોદય મહારાજના દિવ્ય માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનથી સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કંજરી સ્ટેટના યુવરાજ મયુર ધ્વજસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મંદિર ટ્રસ્ટના સભ્યો, સમર્પિત કાર્યકર્તાઓ અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના અસંખ્ય વૈષ્ણવોએ હાજરી આપીને ગૌસેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ગૌશાળાના નિર્માણ માટેનો રસ્તો ત્યારે મોકળો બન્યો જ્યારે દાતા દંપતી ઠાકોરલાલ નટવરલાલ શાહ અને ચંદ્રિકાબેન શાહ દ્વારા ઉદારતા દાખવીને ઉત્તમ હેતુ માટે જમીન દ્વારકાધીશ મંદિરને દાનમાં આપવામાં આવી હતી.
વાસ્તુપૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉદારદિલ દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પૂજ્ય વાગીશકુમાર મહોદયે આશીર્વચન પાઠવ્યા હતા અને ગૌસેવાના મહિમા પર પ્રકાશ પાડ્યો હતો. આ નવીન સુરભી ગૌશાળાના નિર્માણથી માત્ર ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધનને જ વેગ નહીં મળે, પરંતુ આ ક્ષેત્રમાં ગૌસેવાકીય પ્રવૃત્તિઓ વધુ વ્યાપક અને સુદ્રઢ બનશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી છે.
