અંકલેશ્વરના પવિત્ર દત્ત આશ્રમ ઉછાલીમાં પૂજ્ય સંત નર્મદાનંદજી મહારાજનો ૯૯મો જન્મોત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ વિશેષ દિવસની ઉજવણીના ભાગરૂપે આગલા દિવસે આશ્રમ ખાતે અભિષેકાત્મક લઘુરુદ્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ જોડાઈને ધાર્મિક વિધિનો લાભ લીધો હતો. જન્મદિનના દિવસે સવારે ગુરુજીની પાદુકાની ભવ્ય પાલખી શોભાયાત્રા મંદિર પરિસર તેમજ સમગ્ર ગામમાં ધામધૂમથી કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સ્થાનિક ગ્રામજનો અને દૂર-દૂરથી આવેલા ભાવિક ભક્તો સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
જન્મોત્સવના આ પવિત્ર અવસરને લઈને સમગ્ર આશ્રમ પરિસરને આકર્ષક રોશની (લાઈટીંગ) અને સુંદર રંગોળીઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે રંગ પરિવારના પ્રખ્યાત કથાકાર સંજયભાઈ (પોર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પોતાની ઓજસવાણીથી ઉપસ્થિત ભક્તજનોને ધર્મકથાનું રસપાન કરાવ્યું હતું. આ સાથે જ, પૂજ્ય નર્મદાનંદજીના પ્રેરણાદાયી આશીર્વચનની ઓડિયો કેસેટ પણ શ્રદ્ધાળુઓને સાંભળવામાં આવી હતી, જેના દ્વારા ભક્તોએ જૂના સંસ્મરણો વાગોળીને ભાવવિભોર બન્યા હતા.
આ ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે આશ્રમ ખાતે અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં પૂજ્યશ્રીની ૯૯મી વર્ષગાંઠ નિમિત્તે પૂરા ૯૯૦ ફૂટ લાંબી ફટાકડાની લૂમ ફોડીને આશ્ચર્યજનક આતિશબાજી કરવામાં આવી હતી જે ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ધાર્મિક અનુષ્ઠાન અને ઉત્સવના અંતે આશ્રમ દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં દત્તભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.
