રાજ્ય સરકારના લોકફરિયાદ નિવારણ માટેના અત્યંત લોકપ્રિય મંચ ગણાતા 'સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ'ના ચોથા ગુરુવારે મોરબી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. મોરબીમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા રોડના એલાઈનમેન્ટ માટે કોઈપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા કે જમીન સંપાદન કર્યા વગર જ ખાનગી જમીનનો ઉપયોગ કરી લેવામાં આવ્યો હોવાની બાબત નાગરિકે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. આ ગંભીર બેદરકારી સામે આવતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક અસરથી મોરબી કલેક્ટર તેમજ NHAI અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા.
અધિકારીઓની ઘોર બેદરકારી પર રોષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "રોડ ખોદી નાખવો પડે તો ભલે ખોદી નાખો, પણ વગર પ્રક્રિયાએ કોઈની જમીનમાંથી આ રીતે હાઈવે કેવી રીતે બનાવી શકાય?" તેમણે આ પ્રકરણનું ત્વરિત નિરાકરણ લાવવા અને તાત્કાલિક અસરથી તે હાઈવેનું એલાઈનમેન્ટ નિરસ્ત કરવા આદેશ કર્યો હતો. આ સાથે જ જે નાગરિકની જમીન પર ગેરકાયદેસર રીતે હાઈવે બનાવાયો હતો, તે હાઈવેને દૂર કરીને જમીનનો કબજો મૂળ માલિકને પરત સોંપવા તેમજ આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાના આદેશો પણ જારી કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સ્વાગત કાર્યક્રમમાં અન્ય નગરજનોની રજૂઆતો પર પણ ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક નાગરિકના ઘરનો કબ્જો ધાક-ધમકી આપીને ગેરકાયદેસર રીતે અન્ય ઈસમો દ્વારા ખૂંચવી લેવાના પ્રશ્ને મુખ્યમંત્રીએ પોલીસ કમિશનરનો પણ ઉધડો લીધો હતો અને તાત્કાલિક ગેરકાયદેસર કબજો ખાલી કરાવીને અરજદારને ન્યાય અપાવવા સૂચના આપી હતી. વડોદરાના તાંદલજા તળાવમાં દૂષિત પાણીની સમસ્યા અને બ્યુટીફિકેશનની કામગીરી અંગે મ્યુનિસિપલ કમિશનરને પાઇપલાઇન નાખી ગંદા પાણીનો કાયમી નિકાલ કરવા તેમજ વિકાસના કાર્યો ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી.
